SaurashtraGujarat

ગોધરાના કોટડા ગામે માતાએ 7 અને 4 વર્ષના બે પુત્ર સાથે કૂવામાં કૂદી લગાવી મોતની છલાંગ, ત્રણેયનાં મોત

પંચમહાલ જિલ્લાના કોટડા ગામની એક દુઃખદ ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે કોટડા ગામમાં એક માતા દ્વારા બે સંતાનો સાથે કૂવામાં મોતની છલાંગ લગાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતા અને બંને પુત્રોના કરુણ મોત નીપજ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ 108 ની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસ અને 108 ની ટીમ દ્વારા મૃતદેહો બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જાણકારી મુજબ, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેનાર 30 વર્ષની વસંતાબેન દિનેશભાઇ દ્વારા પોતાના બે પુત્રો 7 વર્ષના અક્ષય અને 4 વર્ષના યુવરાજ સાથે કૂવામાં મોતની છલાંગ લગાવવામાં આવી હતી. જ્યારે કૂવાના પાણીમાં ડૂબી જવાના લીધે ત્રણેયના ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજયા હતા.

ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણકારી 108 ની ટીમ કરવામાં આવી હતી. 108 ની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી ત્રણેય મૃતદેહોને દોરી અને ખાટલા ના માધ્યમથી કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ત્યાર બાદ તમામ મૃતદેહોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં કોટડા ગામમાં બનેલી ઘટનાને લઈને કોઈ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.