આજથી દેશમાં બધી જ દુકાનો ખોલવા માટે છૂટ અપાઈ, પણ આ શરતોનું પાલન કરવું પડશે
દેશમાં કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું છે જે 3 મે સુધી ચાલવાનું છે. આ દરમિયાન ગૃહમંત્રાલયે એક મોટો આદેશ જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ આજથી દેશની તમામ દુકાનને શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે તેના માટે અમુક શરતો નું પાલન કરવું પડશે.માત્ર પચાસ ટકા સ્ટાફ જ દુકાનોમાં કામ કરી શકશે.
જોકે કોમ્પ્લેક્સ અને મોલ ને હજી ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. અપેક્ષા છે કે દેશમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ આવતીકાલથી થોડી ગતિ પ્રાપ્ત કરી શકશે. નોંધપાત્ર વાત એ છે કે લોકડાઉનને કારણે તમામ પ્રકારની દુકાનો બંધ થઈ હતી. ફક્ત શાકભાજી, ફળો, દવાઓ અને કરિયાણાની દુકાન જેવી જ જરૂરી ચીજોને ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ કેન્દ્ર સરકારે નિવાસી વસાહતોની બાજુમાં આવેલી દુકાનો ખોલવાની મંજૂરી આપી છે જે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની હદમાં આવે છે. પરંતુ આ પરવાનગી સાથે ગૃહમંત્રાલયે કેટલીક શરતો પણ લગાવી દીધી છે.
શરતો અનુસાર તમામ દુકાનો સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોના એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધણી કરાયેલ હોવી જોઈએ. માત્ર અડધો સ્ટાફ જ દુકાનોમાં કામ કરી શકશે.એટલે કે દુકાન માં પહેલા જેટલા લોકો કામ કરતા હતા તેનાથી અડધા લોકો જ કામ કરી શકશે. સ્ટાફ દ્વારા માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને સામાજિક અંતરનાં પગલાં પણ અનુસરવા પડશે.