લોક રક્ષક ભરતીમાં રબારી સમાજના ઉમેદવારોને વધુ માર્ક્સ છતાં મેરીટમાં સ્થાન નહીં, મામલો પહોંચ્યો ગૃહમંત્રી પ્રદીપસિંહ સુધી
રાજય સરકાર દ્રારા લોકરક્ષક દળની લેવાયેલ પરીક્ષાનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આ મેરીટ લીસ્ટનો રબારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના ગીર, બરડા, આલોક નેસ વિસ્તારના અનુસુચિત જાતિના રબારી સમાજના ઉમેદવારોને વધુ માર્ક્સ હોવા છતાં મેરીટ લિસ્ટમાં સ્થાન ન મળતા તેઓ એ સરકાર સામે આંદોલન કરવાની નોબત આવી છે.આ અંગે છેલ્લા કેટલાય દિવસથી અનેક શહેરોમાં રેલીઓ કાઢીને સમાજ દ્વારા ભરતી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
તેઓએ રજૂઆત કરી કે લોકરક્ષક દળ ની ભરતી સંબંધે અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની ચકાસણી વિષ્લેષણ સમિતી દ્રારા કરવામાં આવતી હતી. LRD ભરતી બોર્ડ દ્વારા ગત 30 નવેમ્બર 2019 ના રાત્રે મેરીટ યાદી જાહેર કરેલ છે જેમાં અમારા સમાજના ઉમેદવારોની બાદબાકી કરવામાં આવી છે.અમારા સમાજના ઉમેદવારોને વધુ માર્ક્સ હોવા છતાં તેમને મેરીટ લિસ્ટમાં સ્થાન મળ્યું નથી અને ઓછા માર્ક્સ ધરાવતા ઉમેદવારોને સ્થાન અપાયું છે. જેથી રોષે ભરાયેલા સમાજે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેવા હેતુથી એક હવન નું પણ આયોજન કર્યું છે.
ઉમેદવારોને થયેલા અન્યાય માટે ધ્રાંગધ્રા ના “વિહોતર ગ્રુપ”ના પ્રમુખ સુમિત કાળોતરાએ સ્થાનિક ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયાને યોગ્ય રજૂઆત કરી હતી. પરષોત્તમભાઇ સાબરીયા એ તમામ વિગતો ચકાસી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, અમારા મત વિસ્તારના ભરવાડ,રબારી,ચારણ સમાજના લોકો જેઓ મૂળ રહેવાસી ગીર,બરડા, આલેચ ડુંગર વિસ્તારના છે. તેઓને ભારતનના સંવિધાન અનુસાર એનું-જનજાતિના લાભો મળે છે. તે પૈકી અમુક ઈસમોની ખોટી પ્રવૃર્તીઓને કારણે સમગ્ર સમાજને હાલમાં લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય થવા જઈ રહ્યો છે.
સાબરીયાએ વધુ લખ્યું કે, આ બાબતે સારા અને સાચા માણસોને અન્યાય ન થાય તે આપશ્રી જણાવશો અને ખોટા ઈસમોને પણ ઓળખીને સજા કરાવશો અને સદરહું ભરતીમાં આ સમાજને અન્યાય ન થાય તે માટે જાણીને ન્યાય આપશો.