મહારાષ્ટ્રમાં આ વખતે એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી નથી ત્યારે કોણ સરકાર બનાવશે એ મામલે છેલ્લા 20 દિવસથી ખેંચતાણ ચાલી રહી છે પણ હવે Maharashtra માં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ મોકલી હતી જેને કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. જો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંજૂરી આપે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ જશે.આ મામલે Shivsena સુપ્રીમ કોર્ટ માં જવાની વાત કરી રહી છે.
પીએમ મોદીએ પણ કેબિનેટ મિટિંગ બોલાવી હતી.BJP પાસે બહુમત ન હોવાથી સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધા બાદ ગવર્નરે શિવસેનાને સરકાર બનાવવા સમય આપ્યો હતો.જો કે શિવસેના પણ બહુમત સાબિત ન કરી શકતા આખરે NCP ને સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.આજે રાત્રે 8:30 કલાક સુધીમાં એનસીપીએ પણ બહુમત સાબિત કરીને સરકાર રચવા પ્રસ્તાવ મૂકવો પડશે.
એનસીપીએ કહ્યું છે કે તે કોંગ્રેસ સાથે વાતચીત બાદ આગળ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી લીધી છે. જો આજ સાંજ પહેલા જ રાષ્ટ્રપતિ શાસન લગાવાય તો શિવસેના, એનસીપી કે પછી કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાથે વાત કરીને પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાય તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે કેમ કે શિવસેનાના આક્રમક નેતા સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર દિલ્હીની ગુલામ ક્યારેય નહીં બને.આ જોતા જો રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો મોટાપાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પુરી શક્યતા છે.