ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં મોટી કાર્યવાહી, સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. જુનાગઢથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરુદ્ધ આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે ડો. અતુલ ચગના આપઘાતના ત્રણ મહિના બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલામાં 306, 506 ( 2 ) અને 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેની સાથે વેરાવળમાં સારી એવી નામના ધરાવનાર અને સેવાભાવી ડોક્ટર અતુક ચગ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું હતું. ડોક્ટર દ્વારા સવારે આપઘાત કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના સ્ટાફ દ્વારા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી. તેમના દ્વારા લખવામાં આવેલ આ સ્યુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ લખવામાં આવેલ હતું. એવામાં હવે આ મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, વેરાવળના ડો. અતુલ ચગ દ્વારા પોતાના આપઘાત કરતા પહેલા લખવામાં આવેલ સ્યુસાઇડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાનું નામ લખવામાં આવ્યું હતું. તેમના દ્વારા આપઘાત પાછળ આ બંને જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં વેરાવળ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડો. ચગના પુત્ર દ્વારા હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. ડો. ચગ પાસેથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા દ્વારા આપવામાં આવેલ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપવાનો ખુલાસો પણ થયો છે.