ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ ના પ્રમોશનને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. વડોદરામાં ‘3 એક્કા’ ફિલ્મના પ્રમોશન સમયે ફિલ્મ પ્રમોટરો બુટ ચંપલ પહેરી મંદિરમાં જતા વિવાદ ઉભો થયો છે. આ મામલાનો વીડિયો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. ત્યાર બાદ સયાજીગંજ પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા ની MS યુનિવર્સિટીમાં NSUI દ્વારા યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકરની ફિલ્મ ‘3 એક્કા’ ના પ્રમોશન નું આયોજન કરાયું હતું. ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો પણ એમ.એસ યુનિવર્સિટી આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા શિવજીના મંદિરમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન ફિલ્મ પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને આવ્યા હતા. જ્યારે અન્ય લોકો પણ શિવજીના મંદિરમાં બુટ ચંપલ પહેરીને આવ્યા હતા. જ્યારે આ ઘટનાનો વિડીયો સામે આવતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક્શન લેવામાં આવી છે.
આ મામલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એનએસયુઆઈ પ્રમુખ સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. હાલમાં સયાજીગંજ પોલીસ દ્વારા વીડિયો ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.