
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પ્રથમ રાઉન્ડમાં જ ધોધમાર વરસાદ પડ્યો છે. અને હવે બીજા રાઉન્ડના વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે એક ખાનગી હવામાન એજન્સીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અને જણાવ્યું છે કે, બે સિસ્ટમ 15 જુલાઈથી 20 જુલાઈ સુધી બની શકે છે. તેમજ રાજ્યમાં 17 જુલાઈથી 19 જુલાઈ સુધી વરસાદ પડી શકે છે.
ખાનગી હવામાન એજન્સી tropical tidbits એ જણાવ્યું હતું કે, 15 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં બંગાળની ખાડીમાં 2 સિસ્ટમ સક્રિય બની શકે છે. તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 17 જુલાઈથી 19 જુલાઈ વરસાદ પડી શકે છે. એજન્સીએ વધુમાં જણાવ્યું કે 19 જુલાઇના રોજ જે સિસ્ટમ સર્જાવાની છે તે સૌથી મોટી સિસ્ટમ હશે. વાદળની હારમાળા દરિયાકાંઠા વિસ્તારોમાં સર્જાઇ છે જે પછી આજથી એટલે કે 8 જુલાઈથી લઈને 12 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. અને 4 દિવસ સુધી વરસાદનું જોર થોડું ઓછું થશે. પરંતુ તે 4 દિવસ પછી બંગાળની ખાડીમાં સર્જનાર સિસ્ટમને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે.
નોંધનીય છે કે, વરસાદની જે સિસ્ટમ છે તે હાલ ભારતના 80 ટકા ભાગમાં આવી ગઇ છે. પરંતુ જે સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમૂદ્રમાં છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. જે પછી જુદી જુદી સ્થિતિ ચોમાસાને વધારે મજબૂત બનાવી રહી છે. ત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જનાર છે તેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 17 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.