ગુજરાતમાં ધીરે-ધીરે હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. પરંતુ આ વચ્ચે હવામાન વિભાગ ચિંતા વધારનાર આગાહી કરી છે. ગુજરાતમાં અસહ્ય ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુરુવારના કેટલાક વિસ્તારો વાદળછાયું વાતાવરણ બન્યું હોવા છતાં ગરમીનું જોર યથાવત જોવા મળ્યું હતું.
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ ના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હિટવેવની પણ આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગર માં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા રહેલી છે. ગુજરાતમાં અરબ સાગર થી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે.
તેની સાથે કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમી યથાવત રહી છે. રાજ્યમાં 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચી ગયો હતો. અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડીગ્રીને પાર રહ્યું હતું. તેની સાથે રાજ્યના 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી પાર નોંધાયું હતું.