રાજ્યમાં પડી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આગામી સપ્તાહના અંતથી જ રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે તેવી આશા છે. ભારતમાં 4 જૂને કેરળમાં ચોમાસું પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ આ સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્થિતિ અનુકૂળ હોવાથી ચોમાસું આગળ વધશે. ઉત્તર ભારતમાં આગામી 2થી3 દિવસમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા પહેલા જ માર્ચ મહિનાથી મે સુધીમાં સારો વરસાદ થયો છે. 1 માર્ચથી 25 મેના ઉનાળાની ઋતુ દરમિયાન 12% વધુ વરસાદ થયો હોવાના કારણે ઉનાળાની ઋતુમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ભારતમાં કેરળ રાજ્યમાં 4 જૂન ની આજુબાજુ ચોમાસું પહોંચશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ સામાન્ય રહે તેવી સંભાવના છે.
IMDના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં આગામી એક સપ્તાહ સુધી ચક્રવાતની નહિવત શક્યતાઓ છે. જો હવામાન આ જ પ્રમાણે રહેશે તો 20 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જાય તેવી શક્યતાઓ છે. ગુજરાતની સાથો સાથ દેશના અન્ય ભાગોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ ચાલી વર્ષે મધ્યમ અથવા સામાન્ય ચોમાસું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. દેશમાં મોટા ભાગે ચાલુ વર્ષની ચોમાસાની ઋતુ સારી રહેશે.
નોંધનીય છે કે, હવામાન વિભાગે વરસાદને લઈને સત્તાવાર જાહેરાત કરી છે. 96 ટકા જેટલો વરસાદ ચાલુ વર્ષે પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અલનીનોની અસર પણ આ વર્ષે જોવા મળી શકે છે. જોકે, જુલાઇ મહિનો પૂર્ણ થયા બાદ અલનીનો અંગે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.