GujaratCrimeSouth GujaratSurat

સુરત: પત્નીની છેડતી કરનારની પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી

સુરત શહેરમાં ગુનાખોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પોલીસના કાયદો-વ્યવસ્થા જાળવવાના દાવાઓ વચ્ચે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અલથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે થયેલી હત્યાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પત્નીની છેડતીથી કંટાળેલા પતિએ રિક્ષાચાલકની પથ્થર મારીને હત્યા કરી નાખ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

પ્રાથમિક તપાસ મુજબ, અલથાણ વિસ્તારમાં રહેતા રાહુલ સભાજિતસિંહ રાજપૂત (ઉં.વ. 35) રિક્ષા ચલાવવાની સાથે કેટરિંગના વ્યવસાયમાં પણ સંકળાયેલા હતા. આરોપ છે કે છેલ્લા દોઢ વર્ષથી તેઓ એક પરિણીત મહિલાની છેડતી કરતા હતા અને તેનો પીછો કરીને હેરાનગતિ કરતા હતા. મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

ગત 7 જૂન, 2026ના રોજ સાંજે મહિલા મગદલ્લા હાઈવે પર આવેલા એક સ્થળેથી કામ પૂર્ણ કરીને બહાર નીકળી હતી. તે સમયે રાહુલે ફરીથી તેનો રસ્તો રોકી તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવાયું છે. મહિલાએ તરત જ પોતાના પતિ રાજીવકુમાર સતિષસિંહ ઠાકુરને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યો હતો.

પત્ની પાસેથી સમગ્ર ઘટનાની જાણકારી મળતાં રાજીવકુમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો હિંસક બની ગયો હતો. ગુસ્સે ભરાયેલા રાજીવકુમારે નજીકમાં પડેલો સિમેન્ટનો પથ્થર ઉઠાવી રાહુલના માથા પર એક પછી એક ઘા કર્યા હતા. ગંભીર ઇજાઓને કારણે રાહુલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચે પણ ઝડપથી તપાસ શરૂ કરીને ગણતરીના કલાકોમાં આરોપી રાજીવકુમારની ધરપકડ કરી લીધી હતી.

આ ઘટનાની સાથે જ સુરત શહેરમાં ચાલુ વર્ષે હત્યાના બનાવોની સંખ્યા 50 સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા પાંચ મહિનામાં શહેરમાં સરેરાશ દર ત્રણ દિવસે એક હત્યાનો બનાવ નોંધાયો છે. ખાસ કરીને છેલ્લા 30 દિવસમાં જ 19 હત્યાના કેસ સામે આવતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને બંને પક્ષોની પૃષ્ઠભૂમિ તેમજ અગાઉના વિવાદોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.