અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરીની મોડી રાત્રે બનેલી દંપતીની કરુણ મોતની ઘટનાને લઈને પોલીસે તપાસ વધુ તેજ કરી છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ પાસેથી અકસ્માતે ગોળી છૂટતાં પત્ની રાજેશ્વરીબાનું મોત થયું હતું, ત્યારબાદ યશરાજસિંહે પણ આપઘાત કર્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, જેને કારણે મામલો વધુ રહસ્યમય બનતો જઈ રહ્યો છે.
પોલીસે તપાસના ભાગરૂપે દંપતી વચ્ચે કોઈ ઝઘડો થયો હતો કે નહીં તે જાણવા CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. પરંતુ જ્યારે ફ્લેટના CCTV ચેક કરાયા ત્યારે તે બંધ હાલતમાં મળ્યા હતા. આથી પોલીસે દંપતી ફ્લેટમાં પરત આવે એ પહેલાં જ્યાં ગયા હતા, ત્યાંના CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે બંને બાજુમાં આવેલા ફ્રૂટ ટ્રક પાસે જ્યૂસ પીવા ગયા હતા અને ત્યાં તેમનું વર્તન સંપૂર્ણપણે સામાન્ય હતું. પતિ-પત્ની વચ્ચે કોઈ તણાવ કે બોલાચાલી જોવા મળતી નથી.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઘટનાસ્થળેથી મળેલી રિવોલ્વરમાંથી માત્ર બે જ ગોળી ફાયર થઈ હતી, જ્યારે અંદરથી બાકી બે ગોળી મળી આવી છે. સામાન્ય રીતે રિવોલ્વરમાં ચાર ગોળી હોવી જોઈએ કે નહીં, એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત, અકસ્માતે છૂટેલી ગોળી સીધી રાજેશ્વરીબાના માથાના પાછળના ભાગે કેવી રીતે વાગી, તે મુદ્દે પણ પોલીસને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના રાજવી પરિવાર સાથે સંકળાયેલા અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ તથા તેમની પત્ની રાજેશ્વરીબાના મોતના કેસની તપાસ એ-ડિવિઝન એસીપી જે. ડી. બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. FSL અને ફિંગરપ્રિન્ટ ટીમે ઘટનાસ્થળે તપાસ કર્યા બાદ રિવોલ્વર કબજે લઈ તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. સાથે જ બંને મૃતકોના મોબાઈલ ફોન પણ FSLને સોંપવામાં આવ્યા છે.
પોલીસને આ કેસમાં અનેક શંકાઓ સતાવી રહી છે. પ્રથમ તો રિવોલ્વરમાં માત્ર બે જ ગોળી કેમ મળી, અને જો યશરાજસિંહને રિવોલ્વર આંગળીમાં પરોવીને ફેરવવાની આદત હતી, તો એ દરમિયાન અચાનક ગોળી છૂટીને પત્નીના માથાના પાછળના ભાગે જ કેવી રીતે વાગી? આ તમામ મુદ્દાઓ પોલીસ માટે અસમંજસ ઊભી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે યશરાજસિંહ અને રાજેશ્વરીબાના લગ્નને માત્ર બે મહિના જ થયા હતા. સમાજના રીતરિવાજ મુજબ તાજેતરમાં જ બંનેએ લગ્ન કર્યા હતા. ઘટનાના દિવસે બંને રાત્રે યશરાજસિંહની ફોઈના ઘરે જમવા ગયા હતા, ત્યારબાદ જ્યૂસ પીધું હતું અને પછી ઘરે પરત આવી બેડરૂમમાં ગયા હતા. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી છૂટીને રાજેશ્વરીબાના માથામાં વાગતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.
યશરાજસિંહે ઘટના બાદ પોતાની માતાને જાણ કરી અને 108 ઇમરજન્સી સેવાને ફોન કર્યો હતો. તબીબી ટીમે રાજેશ્વરીબાને મૃત જાહેર કર્યા બાદ, આઘાતમાં આવીને યશરાજસિંહે પણ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
ફ્લેટના CCTV બંધ હોવા અને અન્ય સ્થળોના CCTVમાં દંપતીનું સામાન્ય વર્તન જોવા મળતાં પોલીસ હવે સાયન્ટિફિક પુરાવા, ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય ટેક્નિકલ વિગતોના આધારે સમગ્ર ઘટનાનો પરદો ઉઘાડવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં હજુ અનેક પ્રશ્નો અનઉકેલેલા છે અને તપાસ ચાલુ છે.