અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે (21 જાન્યુઆરી) મોડી રાત્રે એક કરુણ અને હચમચાવી દે તેવી ઘટના બની હતી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે દરમિયાન અકસ્માતવશ ગોળી છૂટી ગઈ હતી, જે સીધી તેમની પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં વાગી હતી. ઘટના બનતાં જ યશરાજસિંહે તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને ફોન કર્યો હતો.
108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા રાજેશ્વરી ગોહિલનું મોત થઈ ચૂક્યું હોવાનું જાહેર કર્યું હતું. પત્નીના મોતના સમાચાર સાંભળતા જ યશરાજસિંહ ભારે આઘાતમાં આવી ગયા હતા અને ત્યારબાદ તેમણે પણ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બંનેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ દંપતીના પાર્થિવદેહને ભાવનગર જિલ્લાના લીમડા ગામે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જાણવા મળ્યું છે કે ઘટના પહેલા દંપતી જમવા માટે એક સબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી ઘરે પરત આવ્યા બાદ આ દુર્ઘટના બની હતી. બનાવ સમયે ઘરમાં યશરાજસિંહના આશરે 60 વર્ષીય માતા અન્ય રૂમમાં હાજર હતા.
મૃતક યશરાજસિંહ ગોહિલ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ તેમને વર્ગ-2માંથી વર્ગ-1માં પ્રમોશન મળ્યું હતું. તેઓ પરિવારના એકના એક દીકરા હતા. યશરાજસિંહે સાલ કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને વિદ્યાર્થીકાળ દરમિયાન NSUI સાથે પણ સંકળાયેલા રહ્યા હતા.
108 ઈમરજન્સી સેવાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ 11:45 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યશરાજસિંહે ફોન પર જણાવ્યું હતું કે ભૂલથી ગોળી વાગી ગઈ છે. સ્થળ પર પહોંચ્યા બાદ પેરામેડિકલ સ્ટાફે મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. ત્યારબાદ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર ચર્ચા કરી રહ્યો હતો, તે દરમિયાન યશરાજસિંહે પણ પોતાને ગોળી મારી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.
આ ઘટનાને લઈ ભાજપના નેતા જયરાજસિંહ પરમારે ભારે ભાવુક બની વેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટનાની ખબર મળતાની સાથે જ તેઓ તરત જ પહોંચી ગયા હતા. ત્રણ દિવસ પહેલાં જ તેમની યશરાજસિંહ સાથે મુલાકાત થઈ હતી. અગાઉ યશરાજસિંહના પિતાનું કેન્સરથી અવસાન થયું હતું. એકના એક દીકરા સાથે આવી દુર્ઘટના બનતા ભારે દુઃખ થાય છે. શક્તિસિંહ ગોહિલના ઘરે જ યશરાજસિંહ મોટા થયા હતા, જેથી પરિવાર માટે આ આઘાત અસહ્ય છે. ખુશહાલ જીવન જીવતા દંપતી સાથે અચાનક આવી ઘટના બની જતા સમગ્ર પરિવાર અને રાજકીય વર્તુળોમાં શોક છવાઈ ગયો છે.