ગુજરાતમાં ગુંડારાજ: ભાજપ નેતા ઋત્વિજ પટેલની હાજરીમાં જ ABVPના કાર્યકરે NSUI ના નિખિલ સવાણી પર જીવલેણ હુમલો કર્યો
JNUમાં થયેલા હુમલાના વિરોધમાં અમદાવાદમાં ગઈકાલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. NSUIના કેટલાક કાર્યકરો ABVP કાર્યાલય પર પહોંચ્યા હતા. જોકે abvp ના કાર્યકરોએ હિંસક બનીને nsui ના કાર્યકરો પર જીવલેણ હુમલો કરી દીધો હતો જેમાં NSUIના નિખિલ સવાણીને માથાના ભાગે ઇજા થતા લોહી વહેવા લાગ્યું હતું.
નવાઈની વાત એ છે કે ગુજરાત ભાજપ યુવા મોરચાના નેતા ઋત્વિજ પટેલની હાજરીમાં જ આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એ જોતા આ સુનિયોજિત કાવતરું હતું કે કેમ એ તપાસનો વિષય છે. ઉલ્લેખનીય છે કે JNU હિંસામાં પણ abvp પર આરોપ લાગ્યા છે.
અમદાવાદની ઘટનામાં બંને સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. NSUIના યુવા પ્રમુખ નિખિલ સવાણી પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.નિખિલ સવાણી પૂર્વ પાસ નેતા છે અને હાર્દિક પટેલનો ખાસ માનવામાં આવે છે.પોલીસે મામલો શાંત પાડવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. નિખિલ સવાણીને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાર્દિક પટેલ સહીત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ મામલે નિખિલ સવાણીએ ભાજપના ઋત્વિજ પટેલ અને પ્રદિપ સિંહ વાઘેલા સહિત ABVP કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરી છે. સામે ABVP દ્વારા પણ આ NSUIના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.ABVPના પ્રવક્તા સમર્થ ભટ્ટે જણાવ્યું કે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર જ કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેઓ કોંગ્રેસના કાર્યાલય પરથી અહીં આવવાના હતા જેની જાણ અમને થઇ હતી. હુમલામાં એબીવીપીના આનંદ અને ભૌતિક પટેલ ઘાયલ થયા છે.NSUIના કાર્યકરો લાકડી લઈને આવ્યા હતા.