AhmedabadCrimeGujarat

ચાલુ ટ્રકમાંથી ચોરી થઈ ગયા તેલના ડબ્બા, CCTV માં કેદ થઈ સમગ્ર ઘટના

રાજ્યમાં ચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કડી પંથકમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. કડીમાં એક કંપનીમાંથી તેલના ડબ્બા ટ્રકમાં ભરીને લઈ જતા દરમિયાન ચાલુ ટ્રકે જ તેલના ડબ્બાઓની ચોરી થઈ જવાની ઘટના સામે આવી છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેત્રોજ તાલુકાના કુકાવા ગામના રહેવાસી અને કડી તાલુકાના થોળ ગામ નજીક આવેલ એન.કે. પ્રોટીન કંપનીમાં ટ્રકના ડ્રાઇવર તરીકે નોકરી કરતા સંજયસિંહ તેમના રાબેતા મુજબ કંપનીમાં નોકરી માટે આવ્યા હતા. આઈસરમાં તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા ભરીને સંજયસિંહ એન.કે. કંપનીમાંથી કડી તરફ જવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન મેડા આદરજ નજીક પહોંચતા તેઓને અહેસાસ થયો કે તેમની આઇસર માંથી કોઈએ તાડપત્રી તોડીને તેલના ડબ્બાની ચોરી કરી છે. ત્યારપછી તેઓ એક હોટલ નજીક ટ્રક ઉભી રાખી અને તપાસ કરી તો ખબર પડી કે કોઈ ચાલુ ટ્રકમાંથી 22 તેલના ડબ્બા ચોરી ગયું છે. જે બાદ તેઓએ આ મામલે તેમની કંપનીમાં જાણ કરી હતી.

નોંધનીય છે કે, કંપનીમાં જાણ થતા જ કંપનીના કર્મચારીઓ તેમજ સિક્યુરિટી તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે રોડ ઉપરના સીસીટીવી કેમેરા ચેક કરતા માલુમ પડ્યું કે કેટલાક ઈસમો પિક અપ આઇસરમાંથી તેલના ડબ્બા ચોરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જે પછી કંપનીના કર્મચારીઓ આ તમામ ફૂટેજ લઈને બાવળું પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. અને 44 હજાર રૂપિયાની કિંમતના 22 તેલના ડબ્બાની ચોરી થઈ હોવાની પોલીસે ફરિયાદ નોંધાવી હતી.