Gujarat

ગાંધીનગરના પંચદેવ મંદિરમાં વીજ કરંટ લાગતા એકનું મોત, ત્રણ ઘાયલ….

શુક્રવારે લઘુરૂદ્ર યજ્ઞના આયોજનને કારણે શહેરના સેક્ટર 22માં આવેલા પ્રસિદ્ધ પંચદેવ મંદિરમાં મંડપ બનાવતી વખતે લોખંડના થાંભલાના લાઇટના ખુલ્લા વાયરના સંપર્કમાં આવતા ચાર લોકો દાઝી ગયા હતા. જેમાં ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્ય કક્ષાના ગાંધીનગર શહેર જિલ્લાના યુવા ઉપપ્રમુખ તીર્થેશ ઉપાધ્યાયનું અકાળે અવસાન થયું હતું.

મળતી માહિતી મુજબ શુક્રવારે પંચદેવ મંદિરમાં બ્રહ્મ સમાજ દ્વારા લઘુ રૂદ્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તે દિવસે તીર્થેશભાઈ પ્રાથમિક તૈયારીના ભાગરૂપે પંચદેવ મંદિરે ગયા હતા. જ્યાં સમાજ દ્વારા મોટો મંડપ પણ બનાવવામાં આવ્યો હતો. આ સમય વખતે તીર્થેશભાઈ સહિત અન્ય લોકો ભગવાન શિવના અભિષેક માટે લોખંડના તારને એક છેડેથી બીજા છેડે બાંધી રહ્યા હતા તે દરમિયાન તીર્થેશભાઈના હાથમાં વાયર હતો. તેમની સાથે મંડપના ઈલેક્ટ્રિશિયન તેમજ મુકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની પણ હતા.

વીજ કરંટ લાગવાથી ત્રણ લોકો દાઝી ગયા હતા…
મુકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની અને ઈલેક્ટ્રિશિયન લોખંડના થાંભલામાં વીજ વાયરને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો. આથી તીર્થેશભાઈએ બધાનો જીવ બચાવવા હાથમાં રહેલી વાયરની જાળી ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન તેમને પણ વીજ કરંટ લાગ્યો અને તે જમીન પર પડી ગયા. કરંટ લાગતા જ ત્રણ લોકો નીચે પડી ગયા હતા. જેના કારણે પંચદેવ મંદિરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તીર્થેશભાઈને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તીર્થેશભાઈને મૃત જાહેર કર્યા હતા.