પાટણના યુવકનું જર્મનીમાં મોત, તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ
વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના આશાસ્પદ યુવકનું જર્મનીમાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પાટણના સેવાળા ગામનો પાટીદાર યુવક જર્મનીના તળાવમાં મૃત હાલતમાં મળી આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
જાણકારી મુજબ, સેવાળાના વતની અને સુરતમાં રહેતા રમેશભાઈ મોતીરામ પટેલના દિકરા ચિરાગ પટેલ નું જર્મનીમાં રહસ્યમય રીતે મૃત્યુ નિપજ્યું છે. તેમના દીકરા ચિરાગ પટેલ ની લાશ જર્મનીના એક તળાવમાંથી મળી છે. પાંચ વર્ષ અગાઉ ચિરાગ પટેલ જર્મનીમાં ઓટોમોબાઇલના અભ્યાસ અર્થે ગયેલો હતો. જ્યારે તેની લાશ જર્મનીમાં તળાવમાંથી મળી આવેલ છે.
તમને જણાવી દઈએ કે, જર્મન પોલીસે ચિરાગ પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આ મામલામાં તપાસ શરુ કરી છે. સરકારના વિદેશ મંત્રાલયના સહકારથી મૃતક યુવકની લાશ વતન લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં એકના એક દીકરાના મૃત્યુથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બે બહેનો વચ્ચે એકના એક ભાઈના નિધનના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેની સાથે વિદેશ મંત્રાલયના સહયોગથી ચિરાગ પટેલ નો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી અંતિમવિધિ માટે સુરત લઈ જવામાં આવશે.