GujaratAhmedabad

પટેલ પરિવારની જવાનજોધ બે દીકરીઓના મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા ચકચાર

વડોદરાના કરજણ તાલુકાના ફતેપુર ગામથી એક કરુણ ઘટના સામે આવી છે. ફતેપુર ગામ પાસેથી નર્મદા નદી પસાર થાય છે આ નદીમાં બે સગીના બહેનોના ડૂબી જવાના કારણે મોત નીપજ્યા છે. શુક્રવાર સાંજના રહસ્યમય રીતે ગુમ થયેલ બંને બહેનોના મૃતદેહ આજે નર્મદા નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. જાણકારી સામે આવી છે કે, ઘર કંકાસના લીધે બંને બહેનોએ નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે.

આ મામલામાં કરજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં પ્રવીણભાઈ પટેલ પરિવાર વસવાટ કરે છે. તેમની બે દીકરીઓ 19 વર્ષીય ડિમ્પલ અને 17 વર્ષીય સિદ્ધિ શુક્રવારના રોજ બપોરના સમયે ઘરેથી ચાલી ગઈ હતી. બંને બહેનો કલાકો સુધી ન આવતા પરિવાજનો દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રી સુધી બંને બાળકીની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નહોતી.

એવામાં ફતેપુરા ગામ પાસે પસાર થઈ રહેલી નર્મદા નદીમાં બે યુવતીઓના મૃતદેહ તરતા જોઇને સ્થાનિક લોકો ચકિત થઈ ગયા હતા. ત્યાર બાદ સ્થાનિક માછીમારોની મદદથી બે યુવતીઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ ગામની બે બહેનો ડિમ્પલ અને સિદ્ધિ શુક્રવારના રોજ બપોરના ગુમ થઈ ગઈ હતી. તેના લીધે બંને દીકરીના પિતા પ્રવીણભાઈ પટેલ તેમજ તેમના પરિવારજનો નર્મદા નદીના કિનારે દોડી આવ્યા હતા. ત્યારે બંને દીકરીના મૃતદેહ જોઇને પિતા પ્રવીણભાઈને ગહેરો આઘાત લાગ્યો હતો.

તેની સાથે ગામની બે સગી બહેનોની નર્મદા નદીમાંથી લાશ મળી આવતા સમગ્ર ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું હતું. આ કરુણ ઘટના બાબતમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, બંને બહેનો છેલ્લા ત્રણ વર્ષથી ફતેપુરા ગામમાં રહેતી હતી અને તેને અગાઉ વડોદરામાં અભ્યાસ કર્યો હતો. શુક્રવારના રોજ બપોરના સમયથી જ બંને બહેનો ઘર કંકાસના લીધે અચાનક ઘરથી નીકળી ગઈ અને નદીમાંથી બંને દીકરીના મૃતદેહ મળી આવ્યા છે