PM મોદીએ રાજસ્થાનના મંદિરમાં 21 રૂપિયા નથી ચઢાવ્યા,દાવો ખોટો નીકળ્યો…
28 જાન્યુઆરી 2023ના રોજ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ભગવાન દેવનારાયણના મંદિરમાં વડાપ્રધાન મોદીએ અર્પણ કરેલા 21 રૂપિયાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. સમાચારોમાં, મંદિરના પૂજારીએ આ દાવો કર્યો છે કે પીએમે આઠ મહિના પહેલા મંદિરમાં 21 રૂપિયાનું પરબિડીયું ચડાવ્યું હતું. જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ 21 રૂપિયા નહિ 1111 રૂપિયા ચઢાવ્યા હતા અને આ અંગે એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે. આ વીડિયો ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
28મી જાન્યુઆરીએ ગુર્જરોના દેવ ભગવાન દેવનારાયણનો 1111મો પ્રાગટ્ય દિવસ હતો. આ દરમિયાન ભીલવાડા સ્થિત મંદિરમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભગવાન દેવ નારાયણની વિશેષ પૂજા અને આરતી કરી હતી. આરતી બાદ પીએમ મોદીએ ભગવાનના મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીમાં 1111 રૂપિયા આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેના સિવાય એક અન્ય પરબિડીયું પણ નાખવામાં આવ્યું હતું.
આ દાન પેટી આઠ મહિનાથી બંધ હતી અને બે દિવસ પહેલા જ જલઝુલાની એકાદશીના દિવસે ખોલવામાં આવી હતી. દાનપેટીમાંથી લાખો રૂપિયાનું દાન મળ્યું છે. તેમાંથી ત્રણ પરબીડિયા પણ મળી આવ્યા હતા જેમાં રૂ. 2100, રૂ. 101 અને રૂ. 21 મળી આવ્યા હતા.
પૂજારીનો દાવો છે કે 21 રૂપિયાનું આ પરબિડીયું પીએમ મોદીએ મૂક્યું હતું. જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે હવે ભાજપ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ દાનપેટીમાં 1111 રૂપિયા મૂક્યા હતા.