પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવા બદલ રાજકોટના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Police complaint filed for spreading rumours of petrol-diesel shortage
રાજકોટમાં ઈંધણની અછત અંગે ખોટું નિવેદન આપી જનતામાં ગભરાટ ફેલાવવાના આરોપમાં રાજકોટ પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિવાદમાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના રાજકોટ સેલ્સ હેડ દ્વારા તેમની સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાતા શહેરના પેટ્રોલ પંપ સંચાલકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ (LPG) ની અછત અંગે ફેલાયેલી અફવાઓ પર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. ગાંધીનગરથી તમામ જિલ્લાઓના કલેક્ટરો સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં ઈંધણ પુરવઠાની સમીક્ષા કરવામાં આવી હતી અને સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં કોઈ અછત નથી.
આ મામલે IOCના રાજકોટ સેલ્સ હેડ અમિત જયસ્વાલે ગોપાલ ચુડાસમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 23 માર્ચ, 2026ના રોજ સવારે આશરે 10:30 વાગ્યે ગોપાલ ચુડાસમા 40થી 50 પેટ્રોલ-ડીઝલ ડીલરો અને મીડિયા પ્રતિનિધિઓ સાથે IOCL ભવન, રેસકોર્સ રિંગ રોડ પર કોઈ પૂર્વ મંજૂરી વિના પહોંચ્યા હતા. ત્યાં તેમણે અધિકારીઓ સાથે ઈંધણના જથ્થા અંગે ચર્ચા કરી હતી.
અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય નિયમિત રીતે ચાલુ રહેશે. ડીલરો દ્વારા પણ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. છતાં, ઓફિસની બહાર આવ્યા બાદ ગોપાલ ચુડાસમાએ મીડિયા અને સોશિયલ મીડિયા પર વિપરીત નિવેદનો આપતા દાવો કર્યો હતો કે પેટ્રોલ પંપો ‘ડ્રાય’ થઈ ગયા છે અને ઈંધણનો જથ્થો ખૂટી રહ્યો છે.
આ નિવેદન બાદ શહેરમાં ગભરાટ ફેલાયો હતો, જેને ધ્યાનમાં રાખીને IOC દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.