GujaratMadhya Gujarat

રખડતા ઢોર પકડવા નીકળેલ ઢોર પાર્ટીના સ્ટાફ સાથે 3 પશુપાલકોએ ઝપાઝપી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે મહાનગરપાલિકામાં ઢોર પાર્ટીનો સ્ટાફવાળા રખડતા ઢોર પકડવા નીકળ્યા હતા. ત્યારે 3 જેટલા પશુપાલકોએ ત્યાં આવીને ઢોર પાર્ટીના સ્ટાફને ગંદી ગંદી ગાળો આપીને તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ સિવાય ઢોર પાર્ટી ના સુપરવાઇઝરને તે લોકોએ ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઇરલ થયો છે. ત્યારે ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરનાર 3 અજાણ્યા પશુપાલક વિરુદ્ધ આ સમગ્ર મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઢોર પાર્ટી ના સુપરવાઇઝરે આ સમગ્ર મામલે કરેલ પોલીસ ફરિયાદ અનુસાર, વડોદરા મહાનગરપાલિકાના દબાણ તેમજ સિક્યુરીટી વિભાગના ઢોર પાર્ટીની ટીમનો સ્ટાફ પોલીસ સ્ટાફને સાથે રાખીને એક ટ્રેકટર તેમજ 2 ગાડી લઇને શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને સનફાર્મા રોડ ખાતે એક લાલ રંગની ગાય જાહેર રસ્તા પર રખડતી મળી આવતા ઢોર પાર્ટીના સ્ટાફના માણસો તેને પકડવા ગયા હતા. ત્યારે ત્રણ અજાણ્યા પશુપાલકો અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના કામમાં અડચણ ઉભી કરી હતી. અને બાદમાં તે ત્રણેય અજાણ્યા પશુપાલકો ઢોરપાર્ટીના સ્ટાફને ગંદી ગંદી ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી ઢોર પાર્ટીના કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા સુપરવાઈઝર ગાડીમાંથી નીચે ઉતરીને સરકારી મોબાઇલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયોગ્રાફી કરવા લાગ્યા હતા. તે દરમિયાન આ ત્રણ અજાણ્યા પશુપાલકો માંથી એક જણાએ સુપરવાઈઝરને ધક્કો મારીને જે મોબાઈલમાં વિડીયોગ્રાફી ચાલતી હતી તે સરકારી મોબાઇલ નીચે પાડી દીધો હતો. આ સમયે ઢોર પાર્ટી સાથે રહેલ પોલીસ સ્ટાફ તાત્કાલિક ત્યાં આવી ગયા હતા. તેના લીધે આ ત્રણેય પશુપાલકો ગભરાઇને ત્યાંથી તરત જ ફરાર થઇ ગયા હતા.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો પોલીસે પણ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.