SaurashtraGujarat

પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ યથાવત : બોટાદમાં ભાજપના મહામંત્રીએ ચાલુ સભામાં ભાષણ આપતા રાજીનામું આપ્યું

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે હવે બોટાદથી આ બાબતમાં જ સમાચાર સામે આવ્યા છે. બોટાદના પાળિયાદ ગામમાં ગઈકાલે રાત્રીના યોજાયેલી ભાજપની ‘મોદી પરિવાર સભા’ માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચર દ્વારા જાહેરમાં ભાષણ આપતા દરમિયાન રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તેને લીધે આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે.

જાણકારી મુજબ, બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો અને જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં ‘મોદી પરિવાર સભા’ યોજવામાં આવી રહી છે, તેના ભાગ સ્વરૂપમાં ગઈકાલ રાત્રીના બોટાદ જિલ્લાના પાળીયાદ ગામ માં જિલ્લા ભાજપના મહામંત્રીઓ ની હાજરી મોદી સભા યોજાઈ હતી. આ સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચર દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં જાહેર માં પ્રવચન આપતા ક્ષત્રિય સમાજને સમર્થન આપી ને જાહેરમાં ભાજપમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું.

તેની સાથે તમને જણાવી દઈએ કે, પાળિયાદ ગામમાં ભાજપની સભામાં ભાષણ આપતા દરમિયાન વિજય ખાચર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં રોષ રહેલો છે. રૂપાલાસાહેબ દ્વારા ક્ષત્રિય સમાજનું જે રીતે અપમાન કરવામાં આવ્યું છે તેના લીધે ક્ષત્રિય સમાજ નારાજ રહેલો છે. હું ભાજપમાં 20 વર્ષથી કામ કરી રહ્યો છું. મતનો અધિકાર મને મળ્યો ત્યારથી હું ભાજપનો કાર્યકર્તા રહેલો છું. જ્યારે આજે મારે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે, તેના લીધે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રીપદેથી રાજીનામું આપી રહ્યો છું. હું એવું ઈચ્છું છું કે, આ વિષયનો સુખદ અંત આવી જાય. હું ભાજપના મોવડીમંડળને પ્રાથના કરું છું કે, તેના માટે તે પ્રયાસ કરે.