VadodaraGujarat

પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ યથાવત : ડભોઈના સાઠોદમાં અનોખી રીતે કરાયો વિરોધ

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાઠોદ ગામના મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજ દ્વારા જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે નહીં ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકર કે આગેવાનોને ગામમાં પ્રવેશ કરવો નહીં.

તમને જણાવી દઈએ કે, ગઈ કાલના ડભોઈના સાઠોદ ગામમાં આ બેનર જેસીબીની મદદથી લગાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. આ અગાઉ તાલુકાના માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા હતાં. જ્યારે આગેવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને આ ચૂંટણીમાં નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તે રીતનું દેખાડવામાં આવ્યું હતું.

આ મામલામાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સાઠોદ ગામ નો રાજપૂત સમાજ સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યા છે અને આજે સમાજ સહિત સાઠોદ ગામના રાજપૂત સમાજ દ્વારા ગામના સ્ટેન્ડ પર આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જો તમને યોગ્ય ન્યાય મળશે નહીં તો ગામેગામ આ જ રીતના પોસ્ટરો લગાવવામાં આવશે અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવવામાં આવશે. ભાજપ વિકાસની વાતો કરે છે ત્યારે રોડ-રસ્તા પર રાજપૂત સમાજ આવી ગયો છે. તેમ છતાં કેમ ન્યાય મળતો નથી. અમારી માગણી વ્યાજબી રહેલ છે અને અમે કોઈ સમાજ કે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા નથી પરંતુ સરકાર દ્વારા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. જો સરકાર પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ કાપશે નહીં તો અમે માઈક્રો પ્લાનિંગ કરી સરકારને મોટું નુકસાન પહોંચાડશું. તેની સાથે આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર અમે કરીશું. અમારે ન્યાય જોઈએ અને માત્ર એક જ માંગણી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.