રાજકોટના આ ડોકટરે કહ્યું, જો કોઈ હોસ્પિટલને કોરોના આઇસોલેશન/ICU માં મેડિકલ ઓફિસરની જરૂર પડે તો હું નિસ્વાર્થભાવે સેવા આપીશ
રાજકોટ: ચીનમાંથી શરુ થયેલા કોરોના વાયરસે આજે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ દિવસે ને દિવસે કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે હવે ભારત ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ આજે 11 નવા કેસ સાથે કુલ 30 કેસ નોંધાયા છે અને સુરતમાં એક દર્દીનું મોત પણ થયું છે. રાજ્ય તેમજ દેશના ડોકટરો અને સરકારી અધિકારીઓ ખડેપગે કામ કરી રહયા છે ત્યારે હવે જો પરિસ્થિતિ વણસે તો ચીન ની જેમ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત પણ સર્જાય શકે.
આવામાં રાજકોટ ના ડોકટર હિરેન પટેલે જાહેરાત કરી છે કે, જો કોઈ પણ હોસ્પિટલમાં અથવા સંસ્થામાં ડોક્ટરની જરૂર પડે તો તેઓ સેવા આપવા તૈયાર છે. ડૉ. હિરેન પટેલ તાલીમ લઇ ચૂકેલા મેડિકલ ઓફિસર છે અને રાજકોટની મધુરમ,દેવ હોસ્પિટલમાં ICU તેમજ ક્રિટિકલ કેર જેવા ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત તેમણે અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં સ્વાઈન ફલૂ ના આઇસોલેશન વોર્ડમાં પણ ફરજ બજાવી છે.
ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસને ધ્યાને લેતા તેમણે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી હતી કે, જો રાજકોટ અથવા શહેર આસપાસની કોઈ હોસ્પિટલમાં ડોક્ટરની અછત સર્જાય તો તેઓ મેડિકલ ઓફિસર તરીકે કોરોના આઇસોલેશન વોર્ડ તેમજ ICU માં નિસ્વાર્થભાવે એક પણ રૂપિયો લીધા વગર સેવા આપશે. તેમણે પોતાનો મોબાઈલ નંબર 9727572857 પણ જાહેર કર્યો છે જેથી જરૂર હોય એ હોસ્પિટલ દ્વારા તેમનો સંપર્ક કરી શકાય.