રાજકોટ ટુ વ્હીલર પર જતી યુવતીનું પાણીમાંથી વીજ કરંટ લાગતાં કરૂણ મોત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટમાં જાહેર માર્ગ પર વાહન લઈને જતી યુવતીને વીજ કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. 22 વર્ષીય નિરાલી કાકડિયા નામની યુવતીનું આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે, રસ્તામાં ખુલ્લા વીજને અડકી જવાના લીધે યુવતીને શોટ લાગ્યો હતો જેના લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ મામલાને લઈને જણાવી દઈએ કે, હરિદ્વાર હાઇટ્સ બી વિંગમાં રહેનાર નિરાલી વિનોદભાઈ કુકડિયાનું મૃત્યુ નીપજ્યું છે. તે રાત્રીના ચાલુ વરસાદમાં ટૂ-વ્હીલર લઈને જતી હતી. તે દરમિયાન નાનામવા રોડ પાસે આવેલ સત્યસાંઈ હોસ્પિટલ પાસેથી પસાર થતા સમયે તેનો અકસ્માત સર્જાયો હતો. એવામાં નજીકમાં રોડ પર પહોંચતાં ત્યાં વીજપોલ આવેલ હતો અને આ વાયર પાણીમાં રહેલો હતો. જ્યારે આ વાયર મૃતક નિરાલી દ્વારા અડકી લેવામાં આવતા તેમને કરંટ લાગતા તે બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા યુવતીને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણકારી મળતા પરિવાજનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેમ છતાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણકારી મળતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો અને યુવતીનો મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આ મામલામા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલામાં GEB ની બેદરકારીના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો મૃતકના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ રાજકોટમાં વરસાદ વરસ્યો હતો ત્યારે આ ઘટનાની ઘટી હતી. આ ઘટના પર રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા આ મામલામાં દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું અને મહાનગર પાલિકાના લાઈટ વિભાગને ખુલ્લા વીજ વાયર બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.
તેની સાથે જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ નિરાલી કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. તેના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું હતું. રાજકોટ તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરી આ મામલામાં તપાસ હાથ ધરી છે.