South GujaratGujaratSurat

પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ માટે પલસાણામાં રાજપૂત મહિલાઓએ આપ્યું આવેદનપત્ર

પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ને ઠેસ પહોંચે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે શરૂ થયેલો વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલા એ અનેક વખત માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ ની એક જ માંગ છે કે રૂપાલા ની ટિકિટ રદ્દ કરો અને બીજા ઉમેદવાર ને રાજકોટ બેઠક પર ટિકિટ આપવામાં આવે. જ્યારે જિલ્લા કક્ષાએથી શરૂ થયેલી આ લડત તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. સુરત જિલ્લાના પલસાણામાં ક્ષત્રિય મહિલાઓ સહિતના આગેવાનો દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી પુરુષોત્તમ રૂપાલા નો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમમાં કરાઈ રહ્યા છે. જ્યારે રાજકોટ બેઠક પર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે પલસાણા વિભાગમાં રાજપૂત યુવા મંડળ દ્વારા પલસાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરાઈ હતી.

આ બાબતમાં મહિલા ક્ષત્રિય આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે કોઈ પક્ષ કે સમાજનો વિરોધ કરી રહ્યા નથી. પરંતુ માત્રને માત્ર અમે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છીએ. અમારા બલિદાનને તેમના દ્વારા ખોટી રીતે દર્શાવવામાં આવી રહ્યું છે. અમારી માતાઓના અપમાનને અમે સાખી ના લઈએ. ઉમેદવાર પદેથી રૂપાલાને ભાજપ હટાવશે નહી તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે.