GujaratNorth Gujarat

રાપર પોલીસે ગુમ થયેલી માસુમ બાળકીને તેના માતા-પિતા સાથે મળાવીને માનવતા મહેકાવી

રાપર શહેરના હાર્દસમા વાગડ વિસ્તાર ખાતે આવેલ દેના બેંક ચોક ખાતે આજે સવારે 9.00 વાગ્યાની આસપાસ નગર ટ્રાફિક પોલીસ અને TRB ટીમ ફરજ પર હાજર હતી તે દરમિયાન એક 4 વર્ષની નાની માસુમ બાળકી રડતી હાલતમાં જોવા મળી હતી. ત્યારે ફરજ પર હાજર કર્મીઓએ બાળકી સાથે વાતચીત કરીને તેને વિશ્વાસમાં લીધી અને ત્યાર બાદ તેને શાંત પાડીને તેના પરિવાર અંગેની માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ પણ તેની કાલીઘેલી ભાષામાં પોતાના પરિવાર અંગે જણાવ્યું હતું. ત્યારે બાળકી ના જણાવ્યા પ્રમાણે પોલીસે તેના માતા પિતાને શોધવા માટે ભારે જહેમત લીધી હતી. અને આખરે બપોરના સમય દરમિયાન પોલીસને બાળકીના માતા પિતા અંગે જાણ થતાં  પોલીસે બાળકીને તેના પરિવારને સોંપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ તેમજ TRB જવાનોએ બાળકી સાથે વાતચીત કરીને તેને વિશ્વાસમા લીધી અને ત્યારબાદ બાળકીને જ્યારે વિશ્વાસ આવ્યો ત્યારે કર્મીઓએ બાળકીને તેનું અને તે આ માતાપિતાનુ નામ પૂછ્યું હતું. ત્યારે બાળકી એ તેની કાલી ઘેલી ભાષામાં પિતાનું નામ કમલેશભાઈ તેમજ માતાનુ નામ રેખાબેન જણાવ્યું હતું. અને તેઓ ખેતરમા વસવાટ કરે છે. ત્યારે ટ્રાફિક પોલીસ તેમજ TRBના જવાનો બાળકીને બાઇક પર બેસાડીને 2 કલાક સુધી સમગ્ર શહેરમાં બાળકીના પરિવારની તપાસ કરી હતી. ત્યારપછી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી એ આ બાળકી સાથે વાતચીત કરીને તેની સાથે પુછપરછ કરી હતી. ત્યારે તેણે તેના માતા પિતાના જે નામ જણાવ્યા તે નામ પોલીસ ઇન્સ્પેક્ટરે ત્યારે રાપર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના મુકેશ ભાઈ ચાવડા તેમજ મુકેશ સિંહ રાઠોડ મહેશ પટેલ સહિતનાને આ બાળકીના માતા-પિતાની તપાસ કરવા માટે જણાવ્યું હતું. અને રાપર શહેરના તમામ વ્હોટ્સએપ ગ્રુપમાં બાળકીના માતા પિતાનું નામ બાળકીનો ફોટો વાયરલ કર્યો હતો. ત્યારે બપોરે અઢી વાગ્યાની આસપાસ બાળકીના માતા-પિતા  બાળકીને લેવા માટે રાપર પોલીસ સ્ટેશને આવ્યા હતા.

નોંધનીય છે કે,  બાળકીના માતા પિતા જ્યારે રાપર પોલીસ સ્ટેશન ખાતે બાળકીને લેવા માટે આવ્યા ત્યારે પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બાળકી તેની માતાને વળગી પડતા પોલીસ કર્મીઓ સહિત તમામ સ્ટાફની આંખમાં આંસુ આવી ગયા હતા. આમ માતા પિતાથી છૂટી પડેલી એક બાળકીને તેના માતા પિતા સાથે મળાવીને પોલીસે એક ઉમદા કાર્ય કર્યું હતું.