GujaratMadhya Gujarat

સિદ્ધપુરની પાણીની પાઈપલાઈનમાં ફરી મળ્યા અવશેષો, પોલીસ થઈ ગઈ દોડતી

પાટણ જિલ્લાના સિદ્ધપુર નગર પાલિકાની પાણીની પાઈન લાઈનમાંથી કોહવાયેલી હાલતમાં મળેલી લાશના ડી.એન.એ રિપોર્ટ બાદ પુષ્ટિ કરવામાં આવી હતી કે તે લાશ 25 વર્ષની લવિનાની હતી. ત્યારપછી લવીનાના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. અને બાદમાં તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે સિદ્ધપુર નગર પાલિકાની પાણીની પાઇપલાઈનમાંથી ફરી એકવખત માનવ અવશેષો નીકળતા સિદ્ધપુરવાસીઓ હચમચી ઉઠ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધપુર ખાતેના મહેતાઓળના મહાડ પાસે પાણીના પ્રેશર સાથે માનવ અવશેષો પણ પાણીની પાઇપલાઇનમાંથી નીકળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાંજના સમયે નગરપાલિકાએ ફુલ પ્રેશર સાથે પાણી છોડતાં પાઈપ લાઈનમાંથી માનવ અવશેષો બહાર આવ્યા હતા. જે જોઈને સ્થાનિકો ચોંકી ગયા હતા અન લોકોમાં પાલિકા સામે ભારે રોષ વ્યાપી ગયો હતો. લોકો દ્વારા માંગ કરવામાં આવી કે, પાણીની પાઇપ લાઈનોને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવામાં આવે.

નોંધનીય છે કે, સિદ્ધપુરના મહેતાઓળના મહાડ પાસે પાણીની પાઈપ લાઈનમાંથી માનવ અવશેષો મળી આવતા સિદ્ધપુર પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, મળી આવેલ અવશેષો માનવ આવશેષ છે કે બીજા કોઈના એની તપાસ માટે તે અવશેષોને હાલ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પાસે ઓળખ માટે લઇને આવ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, પહેલા લવીના ની કોહવાયેલી હાલતમાં લાશ અને હવે ફરીથી અવશેષો મળી આવતા સિદ્ધપુરના લોકોમાં ખૂબ જ રોષ વ્યાપી ઉઠ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે અમારે મૃતદેહવાળું પાણી પીવું પડે છે માટે નગરપાલિકા હવે સરખી રીતે પાણીની પાઇપલાઇન સાફ કરે તો લોકોને ચોખ્ખું પાણી મળે.