SaurashtraGujaratSurendranagar

રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, સુરેન્દ્રનગર-નર્મદા જિલ્લામાં ભાજપના નેતાની પ્રવેશબંધીના બેનર લાગ્યા

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. લખતરના દેવળીયા ગામમાં પણ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા  પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાના-નાના ગામડાઓ સુધી વિરોધના શૂર ઉભા થયા છે. પુરુષોત્તમ રૂપાલા ના વિરોધના લીધે ભાજપના ઉમેદવારને પ્રચાર કાર્યક્રમમાં વિલંબ પણ થઇ રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે, એક પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચી લેવામાં આવે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેચવામાં નહીં આવે તો ભાજપને આગામી ચૂંટણીમાં મત આપવામાં આવશે નહીં.

જ્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં પણ ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ થશે નહીં ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઇ પણ કાર્યકર્તા કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર રાજપૂત સમાજ દ્વારા માંગરોળમાં મારવામાં આવ્યા છે. નાંદોદ તાલુલાના ગોપાલપુરા, રામપુરા, શહેરાવ, માંગરોલ ગામમાં ભાજપના નેતા કે કાર્યકરોના પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે.

તેની સાથે તિલકવાડા તાલુકાના વજેરીયા ગામમાં પણ પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા આવ્યા છે. તિલકવાડા તાલુકાના રાજપૂત સમાજ ગામડાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી વિરોધ કરાઈ રહ્યો છે અને આ બાબતના તિલકવાડાના મામલતદારને આવેદનપત્ર પણ અપાયું છે.