Gujarat

સાળંગપુર હનુમાન વિવાદ ચરમસીમાએ: વિવાદિત ચિત્રો હટાવો, ‘બસ હવે બહું થયુ અમે લડી લઇશું’

હિંદુ આસ્થાના કેન્દ્ર સાળંગપુર ખાતે લાખો ભક્તો હનુમાનજીના દર્શને જાય છે પણ ત્યાં મૂર્તિ નીચે બનાવેલા ભીંત ચિત્રોથી સૌ લોકોની લાગણી દુભાઈ છે. વિવાદાસ્પદ ભીંતચિત્રમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને હવે વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે.

વડોદરા અને રાજકોટના ધર્મગુરુઓ અને હિન્દુ સંગઠનો પણ આ મામલે આગળ આવ્યા છે. ધાર્મિક વિવાદ વચ્ચે વડોદરાની સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ બાબાએ કહ્યું કે હિન્દુ દેવી-દેવતાઓ એટલે કે સનાતન ધર્મના પ્રતીકો અને દેવતાઓનું ઘણા વર્ષોથી અપમાન કરવામાં આવે છે.જૂનાગઢમાં એક સભા મળી હતી, જેમાં નક્કી થયું હતું કે હવે અમે તમારા પૂજ્ય અને ભગવાનનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખીશું.

તેઓએ વધુમાં જણાવ્યું કે 4 મહિના પહેલા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી અને તે મૂર્તિની તકતી પર હનુમાનજીને સહજાનંદ સ્વામી અથવા સહજાનંદ સ્વામીના માતા-પિતાના સેવક તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ ત્રેતાયુગના હનુમાનજી છે. તેઓ ભગવાન શંકરના પુત્ર છે. તેમનું અપમાન થાય છે એટલે સનાતન સંત સમિતિ અને અન્ય સંતો એકઠા થયા છે અને રામાનુજ વિરક્ત મંડળ પણ એકત્ર થઈ ગયું છે અને હવે લડાઈના મૂડમાં છે.

આ અંગે અમે આવતીકાલે વડોદરા કલેક્ટર અને કમિશનર સમક્ષ સમક્ષ કાર્યવાહી કરવા માંગણી કરવાના છીએ. જો પગલાં નહીં લે તો અમે કૂચ કરીશું, પહેલી કૂચ ગાંધીનગર અને બીજી કૂચ સાળંગપુર હશે. કારણ કે આ સ્વીકારવામાં નહીં આવે, હવે ગાંધી ચિંધ્યામાર્ગ લડવાનો સમય નથી, અમે વૈદિક સાથે લડીશ અને તે પદ્ધતિ જાણીતી છે.

હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવામાં આવતાં સનાતન હિન્દુઓમાં ભારે આક્રોશ છે ત્યારે હવે રાજકોટમાં વિવિધ સમાજના આગેવાનો સામે આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.જો આ સમયગાળામાં પ્રતિમાઓ હટાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.