સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. રમેશ પરમારે પેપરલીક કાંડની વચ્ચે આપ્યું રાજીનામું
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BCA સેમે-4 ની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. તેને લઈને ચારેતરફ ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઇન્ચાર્જ રેજિસ્ટ્રાર ડૉ.રમેશ પરમાર દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. ડૉ. રમેશ પરમાર દ્વારા કામનું ભારણ અને નાદુરસ્ત તબિયતનું બહાનું બનાવી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી રજિસ્ટ્રાર અમિત એસ. પારેખને ઇન્ચાર્જ રેજિસ્ટ્રાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BCA સેમે-4 ની પરીક્ષા દરમિયાન ગત તા. 15- 16 અને 18 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ સુધી પ્રત્યેક પેપરમાંથી પાંચ-પાંચ માર્કનાં પ્રશ્નો હાથેથી લખીને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા. આ બાબતમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ કોલેજ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાને બદલે યુનિવર્સીટી દ્વારા નિવૃત જજની કમીટીની રચના કરવાનું જાહેર કરાયું હતું. તેના લીધે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યકરો યુનિવર્સીટી કાર્યાલયમાં ઘુસી ગયા હતાં.
તેની સાથે આ બાબતને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, BCA સેમે-4 ની પરીક્ષાનાં પેપરમાં રાજકોટમાં જ કેટલાક રાજકીય આગેવાનની કોલેજો સંડોવાયેલી હોવાના લીધે આ બાબતમાં પગલા ભરવામાં આવેલ નથી. એવામાં હવે આ મામલાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.