AhmedabadGujarat

કઠલાલમાં જમીન વેચાણની લાલચ આપી 21 લાખ રૂપિયાની ઠગાઈ, અમદાવાદના નાનજીભાઈ પીઢડીયા સામે નોંધાઈ ફરિયાદ

ગુજરાતમાં જમીન માફિયાઓ અને છેતરપીંડી કરનારાઓ બેફામ બન્યા છે ત્યારે અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે.ખેડા (Kheda) જિલ્લામાં પણ જમીન મામલે ઠગાઈના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે હવે કઠલાલ (Kathlal)ના નરપુરા ગામે જમીન વેચાણ આપવાની લાલચ આપી અમદાવાદ (Ahmedabad)ના એક વ્યક્તિ સાથે રૂપિયા ૨૧ લાખની ઠગાઈ થઇ હોવાનું સામે આવ્યું છે. આ મામલે કઠલાલ પોલીસ સ્ટેશન (Kathlal Police Station)માં બે લોકો સામે કલમ ૪૨૦ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ હાથ ધરી છે.

કઠલાલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબમ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા 55 વર્ષિય જયસુખભાઇ જેઠાભાઇ સાવલીયા (Jaysukhbhai Savaliya) તેમના નાના દિકરાની ઓફીસમાં અવારનવાર બેસવા જતાં હતા જ્યાં દિલીપભાઇ શંભુભાઇ મનાણી (પટેલ) પણ આવતા હોઈ તેમની સાથે પરીચય થયો હતો. આ દિલીપભાઈ મારફતે વર્ષ 2018મા અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે રહેતા નાનજીભાઈ હીરજીભાઈ પીઢડીયા (Nanjibhai Pidhadiya)ના સંપર્કમાં આવ્યા હતાં.

બાદમાં નાનજીભાઈ (Nanjibhai Pidhadiya) એ જયસુખભાઇને જણાવ્યું હતું કે મેં ખેડા જીલ્લાના કઠલાલ તાલુકા ગામ નારપુરાની સીમ ના ખાતા નં. 171થી આવેલ જુનો સર્વે નં.30 જેનો નવો રીસર્વે નં.46 જેનુ ક્ષેત્રફળ હે. 11373 આરે. આકાર રૂપિયા 351 પૈસાવાળી જમીન મુળ માલીક ખેડુત બુધાજી ડાહયાજી રાઠોડ પાસેથી ખરીદેલ છે.

આ જમીન વેચાણ આપ્યા સબંધમાં ખેડુત બુધાજી ડાહયાજી રાઠોડે કબ્જા વગરનુ બાનાખત કરાર પણ કરી આપેલ છે. જે જમીન મેં જોયેલ છે અને તેમા રોકાણ કરવા જેવુ છે. તેમ કહેતા જયસુખભાઇ આ જમીન લેવા બાબતે ચર્ચા કરી હતી. તો આ વ્યક્તિએ કહ્યું કે જમીન આશરે પાંચેક વીધા છે. અને પોતે આ જમીન એક વીઘાના રૂપિયા 4 લાખ 26 હજારના ભાવથી ખરીદ કરેલ તે જમીન ઉચ્ચક રૂપિયા 37 લાખમા આપવાની છે, તેમ વાત કરી હતી.

આમ જયસુખભાઇએ જમીન ખરીદીમાં રસ દાખવતાં નાનજીભાઇ(Nanjibhai Pidhadiya)એ ખેડુત બુધાજી પાસેથી કરાવેલ કબ્જા વગરનો​​​​​​​ બાનાખત કરાર બતાવેલો હતો. તેમાં આ જમીનના ખેડૂત બુધાજી ડાયાજી રાઠોડનાઓએ તા.27/06/2018ના રોજ 3 સાક્ષીઓની હાજરીમાં નોટરી વકીલના રૂબરૂ રૂપિયા 100ના સ્ટેમ્પ ઉપર કબજા વગરનો વેચાણ બાનાખતનો કરાર તથા જમીનના 7/12ના ઉતારાની નકલ બતાવેલ હતી. આ નાનજીભાઇ હીરજીભાઇ પીઢડીયા પાસેથી આ જમીન વેચાણ લેવાની જયસુખભાઇ સાવલીયાએ નક્કી કરેલ હતું.

આ નાનજીભાઇ(Nanjibhai Pidhadiya)એ કઠલાલ (kathlal)ના નારપુર ગામે રહેતા ખેડૂત બુધાજી ડાહયાજી રાઠોડની સાથે મુલાકાત કરાવેલ હતી.આ ખેડૂતે જણાવેલ કે તમારે થોડાક નાણાં ચેકથી અને બાકીના રોકડા આ નાનજીભાઈને આપી દેશો. જેથી રૂપિયા 3 લાખ ચેકથી અને બાકીના રૂપિયા 18 લાખ ટુકડે ટુકડે રોકડ જમીન માટે આપ્યા હતા. જે બાબતનું સમજુતી કરાર પણ કરાયું હતું. જો કે બધા રૂપિયા મેળવી લીધા બાદ પણ જમીનનો વેચાણ દસ્તાવેજ ન કરી આપ્યો અને રૂપિયા પણ પરત ન આપ્યા.

અનેક વખત નાનજીભાઈ (Nanjibhai Pidhadiya) ને રૂપિયા પરત આપવા કહેવા છતાં તેઓ બહાના બતાવતા રહ્યા જેથી જયસુખભાઇ જેઠાભાઇ સાવલીયાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણ થતાં આ મામલે કઠલાલ પોલીસમાં આ નાનજીભાઈ હીરજીભાઈ પીઢડીયા(Nanjibhai Pidhadiya) અને ખેડૂત બુધાજી ડાહ્યાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કઠલાલ પોલીસ સ્ટેશનમાં આ બે ઇસમો સામે IPC કલમ ૪૨૦ (IPC 420) અને ૧૧૪ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.