દરિયામાં ન્હાવા પડેલા એક જ પરિવારના સાત લોકો ડુબ્યા; પાંચના મોત, બે સારવાર હેઠળ
ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગામમાં દરિયામાં ડૂબી જવાના લીધે એક જ પરિવારના પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે લોકોનો જીવ બચી ગયો છે. મુલેર ગામના ગોહિલ પરિવાર આજે દરિયામાં ન્હાવા માટે ગયો હતો. તે દરમિયાન એક છોકરો ડૂબવા લાગ્યો હતો અને તેને બચાવવા જ સમગ્ર પરિવારના એક બાદ એક તમામ લોકો ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી.
તમને જણાવી દઈએ કે, ભરૂચના મુલેર ગામના ગોહિલ પરિવારના સાત સભ્યો આજે દરિયામાં ન્હાવા માટે ગયા હતા. પરંતુ આ દરમિયાન અમાસની ભરતી બાદ ઓટનો સમય થતા પરિવારનો એક સભ્ય દરિયામાં ડૂબવા લાગ્યો હતો. તે કારણોસર પરિવારના બીજા સભ્યો તેને બચાવવા માટે ગયા હતા પરંતુ તે પણ દરિયામાં ડૂબી ગયા હતા. તેમ છતાં આજુબાજુમાં રહેલા લોકો દ્વારા તેમના બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે નજીક હોસ્પિટલમાં મોકલી દીધા હતા. જેમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના કરુણ મોત નીપજ્ય હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે લોકો સારવાર હેઠળ રહેલા છે.
આ ઘટનામાં યોગેશભાઈ દિલીપભાઈ ગોહિલ, તુલસીબેન બળવંતભાઈ, જાન્વી રાજેશભાઈ, આર્યા, રિંકલબેન બળવંતભાઈના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અંકિતાબેન બળવંતભાઈ ગોહિલ અને કિંજલ ગોહિલ સારવાર હેઠળ રહેલા છે.