કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્નીના અકાળ મોતના મામલે હવે મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં અંતે પોલીસે યશરાજસિંહ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધ્યો છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઘટનાની પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે રિવોલ્વરમાંથી રમત રમતમાં અથવા અકસ્માતવશ ગોળી છૂટવાની શક્યતા નથી. પોલીસના તારણ મુજબ, યશરાજસિંહે કોઈ અજાણ્યા કારણોસર પોતાની પત્ની રાજેશ્વરી પર ગોળી મારી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
શરૂઆતમાં પોલીસે આ ઘટનાને અકસ્માત મોત માનીને તપાસ શરૂ કરી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે થયેલું શોક અને હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. આથી સમગ્ર ઘટનાની ફરીથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં એ મહત્વની હકીકત પણ સામે આવી છે કે જે રિવોલ્વર વપરાઈ હતી તે આકસ્મિક રીતે ફાયર થાય તેવી નથી. રિવોલ્વરના ટ્રિગર પર ચોક્કસ દબાણ અને ચોક્કસ રીતથી બળ લાગ્યા વગર ગોળી છૂટે નહીં, જેના આધારે પોલીસે નિષ્કર્ષ કાઢ્યો છે કે યશરાજસિંહે પત્ની રાજેશ્વરીને જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં ગોળી મારી હતી. બાદમાં યશરાજસિંહે પણ પોતાના માથામાં ગોળી મારી આપઘાત કર્યો હતો.
ભાવનગર જિલ્લાના રાજવી પરિવાર સાથે સંકળાયેલા અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ તથા તેમની પત્નીના મોતના કેસની તપાસ હાલ એ-ડિવિઝનના એસીપી જે.ડી. બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ, FSL અને ફિંગરપ્રિન્ટ ટીમે તપાસ પૂર્ણ કર્યા બાદ રિવોલ્વર કબજે લઈ તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસ તપાસ દરમિયાન રિવોલ્વરમાં માત્ર બે જ ગોળી મળી આવી છે, જેને લઈ પણ શંકા ઊભી થઈ છે કે રિવોલ્વરમાં મૂળ ચાર ગોળી હતી કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
ઘટના બાદ યશરાજસિંહે પોતાની માતાને જાણ કરી અને ત્યારબાદ 108 ઇમરજન્સી સેવાને ફોન કર્યો હતો. તબીબી ટીમે રાજેશ્વરીબાને મૃત જાહેર કર્યા બાદ યશરાજસિંહે પણ પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે દંપતીની અવરજવર અને બોડી લેન્ગ્વેજ તપાસવા ફ્લેટના CCTV ચેક કર્યા હતા, પરંતુ તે બંધ હાલતમાં મળ્યા હતા.
દંપતી જે સંબંધીના ઘરે જમવા ગયા હતા અને જ્યાં જ્યૂસ પીવા ગયા હતા, ત્યાંના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તેમાં બંને પતિ-પત્ની સામાન્ય મૂડમાં જોવા મળ્યા હતા. તેમ છતાં, ઘટનાને લઈને હજુ પણ કેટલાક સવાલો પોલીસને મૂંઝવણમાં મૂકી રહ્યા છે. આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે પુરાવા, ફોરેન્સિક અને વૈજ્ઞાનિક રિપોર્ટના આધારે તપાસ વધુ તેજ કરી છે.