અમદાવાદ: મહિલા કંડક્ટરને કેબિનમાં એકલામાં બોલાવીને STનો આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ કરતો હતો એવું કામ કે….
અમદાવાદના બાવળા એસ ટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ વિરુદ્ધ મહિલા કંડકટરે છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલા કંડકટરે આરોપ લગાવ્યો છે કે, આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તેણીને કામ બાબતે સતત હેરાન કરે છે. નોકરીની વહેંચણીની સત્તા તેમના હાથમાં હોવાથી તેઓ રાત્રીના સમયે તેણીને મનફાવે ત્યારે ફરજ પરથી ઉતારી દે છે. જેને કારણે તેણીએ ના છૂટકે ડેપોમાં રાત્રી રોકાણ કરવું પડે છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જયારે નોકરી ની વહેંચણીની બાબતે મહિલા કંડકટરે આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટને રજુઆત કરી ત્યારે તેમણે કહ્યું કે, મને યોગ્ય લાગે એ રીતે જ નોકરીની વહેંચણી કરીશ. અને તમારે એ રીતે જ નોકરી કરવી પડશે. આસીસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મહિલાને કહ્યું કે, અમે ઈચ્છીએ ત્યારે તમને ફરજ પર હાજર કરી શકીએ અને રજા પણ આપી શકીએ.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ તેણીને અવારનવાર પોતાની કેબિનમાં બોલાવીને બીભત્સ માંગણીઓ કરતો હતો. જો કે મહિલા કંડકટર તેની આ માંગણીને નજરઅંદાજ કરતી હતી. ઘણી વખત મહિલા જયારે રેસ્ટ રૂમની ચાવી લેવા કેબિનમાં જાય તો આરોપી ગમે તેમ કરીને મહિલાના હાથને સ્પર્શ કરી લેતો અને મહિલા આ અંગે જયારે કઈ બોલે તો આગળ ખરાબ રિપોર્ટ મોકલવાની ધમકી આપતો હતો.
તમને જણાવી દઈએ કે, બાવળા એસ ટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટના આ પ્રકારના બીભત્સ વર્તનને લઈને મહિલા કંડકટરે ડેપો મેનેજરને મૌખિક ફરિયાદ કરી હતી. જો કે, ડેપો મેનેજરે કોઈ પણ જાતના પગલાં ન લેતા આખરે હારી થાકીને મહિલા કંડકટરે બાવળા એસ ટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે બાવળા પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે.