સી.આર.પાટીલના આદેશને પગલે સુરતમાં વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટ બનાવવાની શરૂઆત
ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં બિપોરજોય ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું ટકરાયા પછી મોટો વિનાશ સર્જાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇ આ બિપોરજોય ચકરવાતમાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક અસરથી જરૂરી ફૂડ મળી રહે તે માટે થઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વર્ચ્યુઅલ બેઠક યોજીને તમામ હોદ્દેદારોને ઈમરજન્સી સહાય કીટ તૈયાર કરવા માટે આદેશ આપ્યા હતા. જેને લઇ સુરત ભાજપે સી. આર. પાટીલના આદેશ અનુસાર અસરગ્રસ્તો માટે ઇમર્જન્સી કીટ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં સુખડી, દુધનો પાવડર,ચવાણું, તેમજ મીણબત્તીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં બિપરજોય ચક્રવાતનું સંકટ વર્તાઈ રહ્યું છે. બિપોરજોય ચક્રવાત આગામી 15 જૂન પછી ગુજરાતના કચ્છ તરફ ટકરાશે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને ચક્રવાતના ટકરાવવાથી આસપાસના વિસ્તારોમાં ખૂબ મોટું નુકસાન અને તારાજી થઈ શકે તેવી શક્યતાઓ પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠા વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં વસવાટ કરતા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવવામાં આવ્યું છે. ત્યારે વાવાઝોડું ટકરાય ત્યારપછી અનેક લોકો અસરગ્રસ્ત થઈ શકે એમ હોવાથી ભાજપ દ્વારા આગમચેતીના ભાગ રૂપે ફૂડ સાથેની સહાય કીટ તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગુજરાતના તમામ જિલ્લાના હોદ્દેદારો તેમજ પ્રમુખો સાથે વર્ચ્યુઅળ બેઠક યોજી હતી. જેમાં વાવાઝોડાના કારણે જે જિલ્લાઓ અસરગ્રસ્ત થાય કે ના થાય પરંતુ તમામ અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે પોષ્ટિક આહાર સાથેની ફૂડ કીટ તૈયાર કરવાના આદેશ આપ્યા હતા. જેમાં સુખડી,દૂધ,ચવાણું તેમજ મીણબત્તી સહિતનો સામાન તૈયાર કરવાનું જણાવ્યું હતું. જેને લઈને સુરત ભાજપ કાર્યાલય પર આ આદેશને પગલે તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે સી.આર.પાટીલની સુચના મુજબની સહાય કીટ તૈયાર કરવામાં આવી રહી છે.