તલાટીની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ST બસમાં થયો કડવો અનુભવ
આજે સમગ્ર ગુજરાતમાંથી યુવાનો અલગ અલગ જગ્યાએ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા જઇ રહ્યા છે. ત્યારે અમુક સામાજિક સંસ્થાઓ દ્વારા તો દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાં ખાવાની સગવડ પણ કરવામાં આવતી હોય છે. સરકારે પણ એસ.ટી. બસોની ખાસ વ્યવસ્થા કરી છે. પરંતુ મોરબીથી ભાટિયા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા જઇ રહેલા યુવાનોને એસ.ટી. બસ દ્વારા એક લડવો અનુભવ થયો હોવાની બાબત સામે આવી છે. મોરબીથી વિદ્યાર્થીઓને ભાટિયા જવાનું હતું પરંતુ તેમને દ્વારકાની ટીકીટ આપીને તેમની પાસેથી વધારે ભાડું વસુલ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે તપાસ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં આજરોજ તલાટી કમ મંત્રીની બપોરે 12.30 વાગ્યે પરીક્ષા લેવાવાની છે. ત્યારે રાજ્યભરમાંથી યુવાનો આ પરીક્ષા આપવા માટે અલગ અલગ કેન્દ્રો પર જઈ રહ્યા છે. સરકાર દ્વારા પણ યુવાનોને તકલીફ ના પડે તે માટે થઈને અલગથી ખાસ ટ્રેનો અને બસો દોડાવવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે મોરબીથી યુવાનો સાથે એક કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે. મોરબીથી દ્વારકા,જામનગર અને કચ્છમાં પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા 9 જેટલી એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓને જે જગ્યાએ ઉતરવાનું હોય તેનાથી દૂર આગળના સ્ટેશન પરની ટીકીટ આપીને તેમની પાસેથી લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. મોરબીથી ભાટિયા પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે તેમનું પરીક્ષા કેન્દ્ર ભાટિયા હોવા છતાં તેમને 45 કિલોમોટર દૂર દ્વારકાની ટીકીટ આપીને તેમની પાસેથી વધારાનું ભાડું વસુલવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે. વિદ્યાર્થીઓ સાથે થયેલા કડવા અનુભવને કારણે હાલ તો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી છે. નોંધનીય છે કે આજે લાખો વિદ્યાર્થીઓ 12.30 વાગ્યે તલાટી કમ મંત્રીની પરિક્ષા આપશે.