ઉનાળાની શરૂઆતમાં જ સર્જાઈ પાણીની તંગી, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં અપૂરતા વરસાદ થવાને કારણે ઉનાળાની શરુઆત થતા જ અરવલ્લીની જીવાદોરી એવા જળાશયોમાં પાણીના તળિયા અત્યારથી જ દેખાવા લાગ્યા છે. જેને કારણે ઉનાળુ પાક માટે જિલ્લાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી શકે તેમ નથી. અને અત્યારથી જ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે અરવલ્લી જીલ્લાનાં ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે નર્મદાની પાઇપલાઇન દ્વારા જિલ્લાના જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવે અને ઉનાળુ પાકના સિંચાઈ માટે પૂરતું પાણી આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆત થતા જ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કુવા અને બોરમાં પાણીના સ્તર ખૂબ જ નીચા જતા રહ્યાં છે. જેને કારણે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મૂકાયા છે. અને ચોમાસાની ઋતુમાં અપૂરતો વરસાદ થવાને કારણે જિલ્લાના જીવાદોરી સમાન એવા મુખ્ય ત્રણ મોટા જળાશયો મેશ્વો, વાત્રક અને વાજુમમાં પાણીનો પૂરતો જથ્થો થઇ શક્યો નથી. ઉનાળાની પ્રારંભે જ આ ત્રણેય જળાશયોમાં સરેરાશ ફક્ત 36 ટકા જેટલો જ પાણીનો જથ્થો વધ્યો છે જેને કારણે જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ત્યારે પાણીની અછતને પુરી કરવા જિલ્લાના ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે, નર્મદાની પાઇપલાઇન મારફતે જિલ્લાના ત્રણ મુખ્ય જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવે.નોંધનીય છે કે, ઉનાળાના પ્રારંભે આ જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ના હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. કારણકે જો ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો પીવાના પાણીની તંગી ઉભી થઇ શકે છે.
તમને જણાવી દઈએ કે, ઉનાળાની પ્રારંભે જ પીવાના પાણીની તંગી ગુજરાતમાં ઉભી થઈ છે. રાજ્યમાં હાલ 3 જિલ્લાના કુલ 20 ગામમાં અત્યારથી જ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. મહત્વનું છે કે, જળ જીવન મિશન હેઠળ તમામને પાણી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ છેવાડાના ગામડાઓ સુધી પાણી જળ જીવન મિશન પહોંચ્યું નથી. જેને કારણે ઉનાળાના આરંભે જ આ સ્થિતિ સર્જાઈ છે.