GujaratSouth GujaratSurat

સુરત : મૃત્યુ બાદ અંગોનું દાન કરનાર મહિલાની દીકરીનાં લગ્ન થયા, જેણે અંગ મેળવ્યાં હતા એ મહિલાએ કન્યાદાન કર્યું

અંગદાન ને મહાદાન ગણવામાં આવે છે અને તેને લઈને અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જ્યારે આજે સુરત શહેર થી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ચાર વર્ષ અગાઉ એક મહિલાને ડોક્ટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ  આ મહિલા ની કિડની દાન કરવામાં આવી હતી. હવે ચાર વર્ષ બાદ બ્રેઇનડેડ  સ્વર્ગવાસી થયા બાદ મહિલાની દીકરી ના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં મૃતક મહિલા નું અંગ મેળવનાર મહિલા દ્વારા ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલા ની પુત્રીનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ન્યુ સિટીલાઇટમાં રહેનાર કલ્પેશભાઈ લાકડાવાળા ના પત્ની રાધે કિરણ કલ્પેશભાઈ લાકડાવાળા ના ચાર વર્ષ અગાઉ 16 જૂન 2019 ના રોજ રાત્રીના બાથરૂમમાં પગ લપસતા તે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 20 જૂનના તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં તેમના પરિવાર દ્વારા તેમનું હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરી 6 વ્યક્તિને નવું જીવન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન થોડા દિવસ પહેલાં રાધેકિરણ બહેનની દીકરી ક્રિષ્ના નાં લગ્ન રાખવામાં આવ્યા હતા.
જ્યારે અંગદાન ના એક કાર્યક્રમમાં રાધેકિરણબહેનની કિડની મેળવી નવું જીવન મેળવનારાં બાયડ નાં જ્યોત્સનાબેન સાથે પરિવારની મુલાકાત કરાવવામાં આવી હતી અને બંને પરિવાર સંપર્કમાં આવ્યા હતા. તેના લીધે ક્રિષ્નાનાં લગ્નમાં જ્યોત્સનાબેન અને તેમના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું  હતું. જ્યોત્સનાબહેન અને તેમના પતિ દ્વારા ક્રિષ્ના તેમની જ દીકરી હોય તેવા ભાવ સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવામાં આવી હતી. તેની સાથે જ્યોત્સનાબહેનના પરિવાર દ્વારા લગ્નપ્રસંગની પૂજા વિધિ માટે બેસવાનું કહેવામાં આવતા તેઓ પણ ખુશ થઈ પૂજાવિધિમાં બેસી ગયા હતા. જ્યારે દીકરી ક્રિષ્નાના કન્યાદાનની વિધિ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.