South GujaratGujaratSurat

સુરત માંગરોળમાં GIDC માં રજા માંગતા મિલ માલિકે કામદારને માર માર્યો, રોષે ભરેલા કામદારો રસ્તા પર ઉતર્યા

સુરતના માંગરોળની પિપોદરા GIDC થી મોટા સમાચાર સામે આવ્યા છે. માંગરોળની પિપોદરા GIDC માં ગઈકાલના મીલ માલિકે એક કારીગરને માર માર્યો હતો. તેના લીધે કારીગરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કારણોસર કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા અને અઠવાડિયામાં એક દિવસ પાળી બદલાઈ ત્યારે રજા આપવાની માંગણી કરી હતી. એવામાં મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તે દરમિયાન કામદારો દ્વારા પોલીસની ગાડી પર પથ્થરમારો કાચ તોડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હુમલા પર કાબુ મેળવવા માટે ટિયરગેસના છ શેલ છોડવામાં આવ્યા હતા.

જાણકારી મુજબ, માંગરોળના પિપોદરા GIDC ની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલના રોજ મિલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો. તેને લઈને કામદાર ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેચઅપ થઈ ગઈ હતી. એવામાં આ ઘટના ના લીધે કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેના લીધે આજરોજ કામદારો રસ્તા પર ઉતરી આવ્યા અને એક અઠવાડિયામાં પાળી બદલાય તારે એક દિવસની રજા આપવામાં આવે તેની માંગણી કરી હતી. કંપની બંધ કરાવવામાં આવતા મામલો વધુ ઉચકાતા તાત્કાલિક જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

ત્યાર બાદ પોલીસને જોતા ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ ના કાફલા પર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેના લીધે પોલીસની ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. ત્યાર બાદ ઉશ્કેરાયેલ ટોળાને વેરવિખેર કરવા માટે પોલીસની ટીમ દ્વારા ટિયરગેસના છ શેલ છોડવામાં આવ્યા હતા. પથ્થરમારો કરતાં અમુક કામદારો પોલીસના હાથે આવી જતા તેમની અટકાયત કરાઈ હતી. તેની સાથે પોલીસ દ્વારા મિલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયત ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.