પરીક્ષાના તણાવથી આપઘાત કરવા જઈ રહેલ યુવતી સાથે કાઉન્સેલિંગ કરીને સુરત પોલીસે તેનો જીવ બચાવ્યો
આજ કાલ આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં આપઘાત કરવા જઈ રહેલી એક વિદ્યાર્થિનીને પોલીસે તે આપઘાત કરે તે પહેલા જ બચાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીએ આપઘાત કરતા પહેલા પોતાના વ્હોટ્સએપ સ્ટેટ્સમાં એક સ્ટેટ્સ મૂક્યું હતું. જે સ્ટેટ્સ તેની કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ જોઈને તરત જ આ મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચીને વિદ્યાર્થિનીને બચાવી લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વર ખાતે વસવાટ કરતી તેમજ સુરત સિવિલ સ્થિત ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષની ઉંમરની એક વિદ્યાર્થિનીએ પંખા સાથે દોરડું બાંધેલો’ ફોટો તેના વ્હોટ્સએપ સ્ટેટસમાં મૂક્યો હતો. અને તે ફોટો પણ બે-ત્રણ લોકોને જ દેખાય એ રીતે વ્હોટ્સએપમાં સેટિંગ કર્યું હતું. ત્યારે દરમિયાન તેનું આ સ્ટેટ્સ દેહરાદૂનમાં વસવાટ મિત્રએ જોઈને તરત જ યુવતીને ફોન કર્યો હતો.
નોંધનીય છે કે, યુવતી સાથે ફોનમાં થયેલી વાતચીતથી જ તેના મિત્રને અંદાજ આવી ગયો કે તેણી આત્મહત્યા કરવાની છે. તેથી યુવતીમાં મિત્ર એ સહેજ પણ રાહ જોયા વિના આ બાબતની જાણ સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. તેથી આ બાબતની ગંભીરતાને સમજીને પોલીસની એક ટીમ તાત્કાલિક અસરથી વિદ્યાર્થીની જે હોસ્ટેલમાં રહેતી હતી ત્યાં પહોચી ગઈ હતી. અને પોલીસની ટીમે વિદ્યાર્થિનીની રૂમની બહાર દરવાજે ઊભા રહીને વિદ્યાર્થીની સાથે વાતચીત કરી હતી. જેમાં યુવતીની વાતો પરથી પોલીસને અંદાજ આવ્યો કે યુવતી પરીક્ષાને લઈ તણાવમાં છે. જો કે, પોલીસે યુવતી સાથે વાતચીત કરીને તેને ખૂબ સમજાવી હતી. અને આખરે યુવતી પોલીસની વાત માની ગઈ અને બાદમાં તેણે તેના રૂમનો દરવાજો ખોલતા પોલીસની ટીમ દ્વારા રાહત અનુભવવામાં આવી હતી. ત્યારે પોલોસે આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીનાં માતા-પિતાને કરી હતી. જેથી તેઓ પણ તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. અને દીકરીને અંકલેશ્વર લઈને જતા રહ્યાં હતાં.