South GujaratGujaratSurat

સુરતના ગોડાદરાના વેપારીએ સુસાઈડ નોટ લખી કર્યો આપઘાત, જાણો શું છે સમગ્ર મામલો…

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરતથી સામે આવી છે. સુરતમાં કાપડ માર્કેટ ના એક વેપારી દ્વારા સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. વેપારી દ્વારા સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે, એજન્ટ દ્વારા જાણ કર્યા વગર જ તેના નામ પર લોન લઈ લેવામાં આવી હતી. ત્યારબાદ લોનના હપ્તા ન ભરવામાં આવતા હોવાથી બેંક દ્વારા પ્રેશર કરાયું હતું. ફોન પણ કરવામાં આવતો હતો. તેના લીધે વેપારીએ કંટાળીને આપઘાતનું પગલું ભર્યું હતું.

તમને જણાવી દઈએ કે, ગોડાદરાના વેપારી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. રાજેન્દ્ર નામના વેપારી દ્વારા સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, 2018 થી વેપારમાં નુકસાન થયેલું હતું. આર્થિક સ્થિતિ કથળી બની ગઈ હતી. મને બેંકમાંથી ઉઘરાણી માટે અવારનવાર કોલ આવી રહ્યા હતા. આ કારણોસર ઈજ્જત બચાવવા માટે મેં આ પગલું ભરેલ છે. આઈઆઈએફએલ માંથી લોન મેં નહીં પરંતુ કલ્પેશ સોની દ્વારા કહ્યા વગર વધુ રેટ સાથે લોન લેવામાં આવી હતી. કલ્પેશને રૂપિયા આપી દેવા જણાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ તેમણે મારા ફોન ઉઠાવવાનું બંધ કરી નાખ્યું હતું.

તેની સાથે વધુમાં તેમણે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, કલ્પેશને ઘણી વખત કહ્યું હોવા છતાં તે કંઈ પણ કરતો નહોતો. મેં અગાઉ પણ બેંકમાંથી લોન લીધેલી હતી. પરંતુ હપ્તો ક્યારેય મીસ કરતો નહોતો. પરંતુ વેપારમાં નુકસાન વધુ જવાથી અને હપ્તા ન ભરી શકવા થી હું આ પગલું ભરી રહ્યો છું. મારા પરિવારના લોકોને હેરાન કરતા નહીં. હાલમાં પોલીસ દ્વારા સુસાઈડ નોટ ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.