GujaratSouth GujaratSurat

અનાથ બનેલી દીકરીનું સુરતની સરથાણા પોલીસ કરી રહી છે લાલન પાલન

મુળ ભાવનગરના અને પહેલા સુરત શહેરના લંબેહનુમાન રોડ રેણુકાભવન નજીક હીરાના કારખાનામાં કામ કરીને ધર્મેન્દ્ર વ્રજલાલ તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કોરોના દરમિયાન તેમના પત્નીનું મોત નીપજ્યું હતુ. અને ત્યારપછી તે લોકો પોતાના વતન ભાવનગર પરત ફર્યા હતા. ત્યારે શનિવારના રોજ તેઓ તેમની 6 વર્ષની ઉંમરની દીકરીને લઈને ભાવનગરથી સુરત આવ્યા હતા.ત્યારે સારોલી BRTSથી વનમાળી BRTS બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં રાત્રીના સમયે આંબાના ઝાડ પાસે તેમણે આશરો લીધો હતો. મોડી રાત્રે દીકરીને સુવડાવીને ધર્મેન્દ્રભાઈએ આંબાના ઝાડે જ ગળો ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે સરથાણા પોલીસ નિરાધાર બનેલી માસુમ દીકરીની વ્હારે આવી હતી. માસુમ દીકરીનું મહિલા PSI બી.ડી. મારૂ પ્રેમપૂર્વક જતન કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે,6 વર્ષની માસૂમ મા વિનાની દીકરીના પિતાએ આપઘાત કરી લેતા આ દીકરી અનાથ બની ગઈ હતી. જેથી આ દીકરી હાલ સુરત શહેરની સરથાણા પોલીસ પાસે છે. પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ દીકરી માટે યશોદા બન્યો હોય તે રીતે દીકરીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં પીએસઆઈ બી.ડી. મારુ રાત્રિના સમયે દીકરીને પોતાના ઘરે લઈ ગયા હતાં. હાલ તો પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ આ દીકરીની સાર સંભાળ રાખી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, સરથાણા પોલીસ હાલ તો દીકરીના કોઈ વાલીવારસની તપાસ કરી રહી છે. જો તે મળી આવશે તો આ દીકરી તેમને સોંપવામાં આવશે નહીં તો સુરત નારી સંરક્ષણ ગૃહમાં આ દીકરીને મુકવામાં આવશે. પણ હાલમાં તો સરથાણા પોલીસ જ આ દીકરીની સારસંભાળ રાખી રહી છે.