GujaratSouth GujaratSurat

રેસ્ટોરન્ટમાં જમવા નું બુક કરાવી કમિશન મેળવવાની લાલચમાં સુરતી લાલા એ લાખો રૂપિયા ગુમાવ્યા

આજના ડિજિટલ સમયમાં લોકો પોતાના મોટાભાગના આર્થિક વ્યવહારો ઓનલાઈન મારફતે કરતા હોય છે. ઘણી વખત તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સારી ઓફર પણ મળતી હોય છે. જો કે આવી ઓફરોના ચક્કરમાં જ ઘણી વખત ફ્રોડ પણ થઈ જતું હોય છે. ત્યારે આવું જ કંઈક સુરતમાં સામે આવ્યું છે. જ્યાં રેસ્ટોરન્ટ પર જમવાનું ઓનલાઈન બુક કરાવવાના એક ટાસ્ક પેટે ખૂબ જ સારું એવું કમિશન મળવાની એક ઓફરમાં ફસાઈને એક વ્યક્તિએ 7 લાખ કરતા પણ વધુ રૂપિયા ગુમાવ્યા હતા.

છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે અગાઉ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મહારાષ્ટ્રમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.  તેમજ આરોપીઓના જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં રહેલા 6.36 લાખ રૂપિયાની રકમ ને હાલ ફ્રીઝ કરાવવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ ફરિયાદીને ફોન કરીને લાલચ આપી હતી કે તમે જો રેસ્ટોરન્ટમાં ઓનલાઇન જમવાનું બુક કરાવશો તો તે ટાસ્ક પૂરો કરવા બદલ તમને સારું કમિશન મળશે. ત્યારે ફરિયાદીને આરોપીઓ ની વાત પર વિશ્વાસ આવી જતાં તેણે હા પાડી દીધી હતી. અને ત્યારપછી ફરિયાદીના મોબાઇલ પર આરોપીઓએ એક લિંક મોકલીને ફરિયાદીને રજિસ્ટ્રેશન કરી જમવાનું બુક કરાવવા કહ્યું હતુ.

આરોપીઓના કહેવા પ્રમાણે ફરિયાદીએ આ લિંક પર રજિસ્ટ્રેશન કરીને રેસ્ટોરન્ટ પર ઓનલાઇન જમવાનું બુક કર્યું હતું. શરૂઆતમાં ફરિયાદીને વિશ્વાસ અપાવવા માટે આરોપીઓએ પહેલા 1.25 લાખ રૂપિયાનું કમિશન પણ આપ્યું હતું. ત્યાર પછી ફરિયાદીને વિશ્વાસ આવી જતા આરોપીઓએ વધુ લાલચ આપીને ફરિયાદી પાસેથી જુદા જુદા ચાર્જના નામે 7.46 લાખ રૂપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

નોંધનીય છે કે, ફરિયાદીએ 7.46 લાખ રૂપિયા આપ્યા બાદ પણ તેમને એક પણ વખત તેમના પૈસા રિફંડ ના મળતા ફરિયાદીને પોતાની સાયહે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.  જેથી ફરિયાદીએ તરત જ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરીને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરીને અગાઉ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારપછી વધુ તપાસ હાથ ધરતા સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપી સંદીપ દડ્ડી કરને પણ મહારાષ્ટ્રના પૂણે ખાતેથી ઝડપી પાડ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલે પોલીસે આરોપીના જુદા જુદા બેંક એકાઉન્ટમાં રહેલ 6.36 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા હતા. ત્યારે આરોપીઓએ અત્યાર સુધી કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી છે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે.