સુરતીઓ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પહેલા વાંચીલો આ સમાચાર, નહીં તો ભરવો પડશે દંડ
સુરત શહેરમાં સતત અકસ્માતના બનાવોને પગલે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા નાબિરાઓને કારણે શહેરમાં અકસ્માતો થાય છે, તો કેટલાક લોકો તેમના વાહનથી ખતરનાક સ્ટંટ પણ કરતા હોય છે. જેના લીધે અકસ્માત થયા હોય છે. ત્યારે હવેથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવનારાઓ પર બાજ નજર રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી સુરત ટ્રાફિક પોલીસને વાહન ચાલકો પર નજર રાખવા માટે 30 લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી છે. આજથી જ ટ્રાફિક પોલીસના જવાનો લેઝર સ્પીડ ગન સાથે શહેરના 30 જેટલા રૂટ પર તૈનાત રહેશે. અને જે લોકો વાહન ઓવર સ્પીડમાં ચલાવશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આ મામલે જણાવ્યું છે કે, સરકાર દ્વારા સુરત ટ્રાફિક પોલીસને ફાળવવામાં આવેલ બીજી 30 લેઝર સ્પીડ ગનનો ઉપયોગ શહેરમાં શરૂ કરી દેવાયો છે. લેઝર સ્પીડ ગનની મદદથી સુરત ટ્રાફિક પોલીસ ઓવર સ્પીડથી વાહન ચલાવનાર વાહન ચાલકોને દંડ ફટકારશે. જે લોકો ઓવર સ્પીડમાં વાહન ચલાવશે તેમને સ્પોટ પર દંડ કરવામાં આવશે અથવા તો ઈ-મેમો મોકલવામાં આવશે. વિસ્તાર પ્રમાણે જે સ્પીડનક્કી કરવામાં આવી છે તેના કરતા વધારે સ્પીડથી કોઈ વાહન ચાલક પોતાનું વાહન ચલાવશે તો તેને દંડ ફટકારવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, સુરત શહેરમાં ઓવર સ્પીડિંગને કારણે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં થતા અકસ્માતોને રોકવા માટે પોલીસ એક્શનમાં આવું છે.