AhmedabadGujarat

વ્યાજખોરોનો આતંક: રાત્રે 1 વાગ્યે લેણદારના ઘરમાં ઘૂસીને કર્યો જીવલેણ હુમલો

રાજ્યમાં દિવસેને દિવસે વ્યાજખોરો આતંક વધતો જાય છે. ઘણી વખત તો વ્યાજખોરો વ્યાજે પૈસા લેનાર સાથે હિંસા પર પણ ઉતરી આવતો હોય છે. આવું જ કંઈક હાલોલમાં સામે આવ્યું છે. હાલોલ તાલુકાના કોઠી ફળિયામાં ગતરોજ મોડી રાત્રી દરમિયાન વ્યાજખોરોએ આતંક મચાવ્યો હતો. જ્યાં વ્યાજે પૈસા આપનાર ઇસમે તેના ભાઈ તેમજ પિતા સાથે બીજા 20 જેટલા ઈસમો હથિયાર લઈને વ્યાજે ઉછીના પૈસા ઉછીના લેનારના ઘરમાં ઘુસી ગયા અને હુમલો કર્યો હતો. ત્રણ લોકોને આ હુમલામાં ઇજાઓ પહોંચી હતી જેમાં એકને માથામાં ચપ્પુ મારી દેતા ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક અસરથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફજલ ફિરોજભાઈ ઘાંચી નામનો યુવક હાલોલના કોઠી ફળિયામાં વસવાટ કરે છે. ટેકરી ફળિયામાં વસવાટ કરતા અને દરજીનો ધંધો કરતા ફરહાન પાસેથી ફજલે 5 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારે ફરહાન વ્યાજ પેનલ્ટી પેટે ફજલ પાસેથી દરરોજના 150 રૂપિયા વસુલતો હતો. ફજલ છેલ્લા 5 માહિનાથી આ રીતે રકમ ચુકવણી કરી રહ્યો હતો. ત્યારે ઇદ પહેલા ફજલે હિસાબ કરી દેવા ફરહાનને જણાવ્યું તો ફરહાને 20 હજાર આપી હિસાબ પૂરો કરવા માટે કહ્યું હતું. એટલે 15 હજાર રૂપિયા ઈદ પહેલા ચૂકવ્યા હતા અને 2 દિવસ બાદ 5 હજાર રૂપિયા આપવાનો વાયદો હતો.

નોંધનીય છે કે, 5 હજાર રૂપિયાના બદલે ફજલે 20 હજારથી પણ વધારે રૂપિયા ચૂકવ્યા અને બીજા 15 હજાર રૂપિયા એમ કુલ મળી 35 હજાર ચૂકવ્યા હતા અને 5 હજાર રૂપિયાનો વાયદો હતો. ત્યારે ગતરોજ મોડી રાતે 1 વાગ્યાની આસપાસ વ્યાજખોર ફરહાન 20 જેટલા ઈસમોનું ટોળું લઈને ઘાતકી હથિયાર સાથે ફજલના ઘરે પહોંચ્યો હતો. અને ત્યાં હુમલો કરતા ફજલના પિતાને માથાના ભાગમાં ચપ્પુ મારી દીધું હતું. તેમજ યુવકને પણ હાથમાં ચપ્પુ વાગ્યું હતું. ત્યારે હાલોલ ટાઉન પોલીસ મથકે આ સમગ્ર મામલે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.