અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ કરવામાં આવેલ જોય રાઈડ હેલિકોપ્ટર સેવાને 5 મહિના પહેલા બંધ કરવામાં આવી હતી. ત્યારે એ જોય રાઇડને આજ રોજ ફરીથી શરૂ કરવામાં આવી છે. શનિવાર, રવિવાર અને રજાના દિવસે જ આ જોય રાઈડ ચાલશે.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ પર બંધ કરવામાં આવેલ જોય રાઈડ આજથી ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટર જોય રાઈડ આજ રોજ બપોરથી શરૂ કરવામાં આવી છે. આ વખતે જોય રાઈડ ના ભાવમાં પહેલા ભાવ કરતા 100 રૂપિયા જેટલો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટર જોય રાઇડની 10 મિનિટ દરમિયાન મુસાફરોને અમદાવાદ શહેરના સાયન્સ સિટીના રૂટ પર લઈ જવામાં આવશે. ATC દ્વારા સિગ્નલ ના મળે તેમજ એર ટ્રાફિક હશે તો જોય રાઈડ નો રૂટ બદલવામાં આવશે.
નોંધનીય છે કે, બપોરના સમયે જોય રાઈડ 3 કલાક તેમજ આખા દિવસ દરમિયાન 15 જેટલી રાઈડ ચાલશે. એક રાઈડમાં 5 વ્યક્તિઓને હેલિકોપ્ટરમાં બેસાડીને રાઈડ કરાવવામાં આવશે. રાઈડ માટે ઓનલાઈન તેમજ એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે. આ રાઈડ આશરે 25 કિલોમીટરની રહેશે. આ રાઈડ છેલ્લા 5 મહિનાથી બંધ હતી. જેને હવે આજ રોજથી ફરી એકવાર ચાલુ કરવામાં આવી છે. સામાન્ય વરસાદમાં પણ આ જોય રાઈડ ચાલશે પરંતુ જો ભારે વરસાદ પડશે તો આ રાઈડ નહીં થઈ શકે.