);});
Gujarat

ગુજરાતમાં નવી બીમારીનો પ્રથમ કેસ સામે આવ્યો, જંગલમાં મહિલાને જીવડાએ ડંખ માર્યો હતો

દેશ વિદેશમાં કોરોના જેવી મહામારીથી અનેક લોકોના જીવ ગયા છે ત્યારે હવે ગુજરાતમાં એક નવી બીમારીનો પ્રથમ કેસ સામે આવ્યો છે.સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ક્રબ ટાયફસ બીમારીનો પહેલો કેસ નોંધાયો છે. એક 51 વર્ષીય મહિલાને સ્ક્રબ ટાઈફસ નામની ગંભીર બીમારી થઈ હતી, જે ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાને કારણે થાય છે. ચિગાર નામના જંતુએ ડંખ માર્યા બાદ આ બીમારી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

નર્મદાના ડેડિયાપાડાની મહિલાને નવી સિવિલમાં 17 દિવસની સારવાર આપવામાં આવી છે. કનબુડી ગામની 51 વર્ષીય આદિવાસી મહિલા ને સારવાર બાદ નવું જીવન મળ્યું છે. ભાગ્યે જ જોવા મળતી આ બીમારીનું નિદાન થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.આ પ્રથમ કેસ સુરત નવી સિવિલમાં નોંધાયો છે.

મળતી માહિતી મુજબ જંગલમાં આદિવાસી મહિલાને કાન નીચે એક જીવડાએ ડંખ માર્યો હતો. પહેલા તો તેને કાનની નીચે સોજો અને માથાનો દુખાવો હતો.બાદમાં તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. બે દિવસ સુધી સારવાર કર્યા બાદ તબીબોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવા કહેતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

દર્દીને તાવ, લીવર, કિડની અને ફેફસામાં સોજો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને તેમને 10 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.