GujaratMehsanaNorth Gujarat

પ્રેમિકા દગો આપીને બીજા સાથે રહેવા જતી રહેતા પૂર્વ પ્રેમીએ બદલો લેવા ચલાવી ગોળી

પ્રેમના નામે આજ કાલ ખોટી રીતે બદલો રાખી હત્યા થતી હોવાના અનેક બનાવો સામે આવતા રહે છે. આવી જ એક ઘટના મહેસાણા જિલ્લામાં સામે આવી છે. જ્યાં પોતાના પ્રેમીને છોડી એક પ્રેમિકા બીજા સાથે જતી રહેતા પહેલા પ્રેમીએ તેની પ્રેમિકાના હાલ ના પ્રેમીની ગોળી મારીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પહેલા મહેસાણા જિલ્લાના કડી તાલુકા ખાતે આવેલ બાવલું ગામ પાસે યુનુસ ઉર્ફે મંગા કુરેશીની તેની જ ગાડીમાં ગોળી મારીને તેની હત્યા કરી દેવાઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કારમાં સવાર એક જમીન દલાલને પાછળથી બાઇક ઉપર સવાર થઈને આવી રહેલો એક શખ્સ બંદૂકથી ગોળી મારીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ સીસીટીવી કેમેરામાં કેદ થયેલલી ઘટનાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. અને ગણતરીનઆ કલાકોમાં જ આરોપી ઇકબાલ મયુદિનભાઈની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ કરતા આ મામલે ચોંકાવનારી બાબત સામે આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ઇકબાલની પ્રેમિકા તેને પ્રેમમાં દગો આપીને દલાલ યુનુશ સાથે રહેવા ચાલી ગઈ હતી. આ બાબતને લઈને યુનુશને ઇકબાલ પોતાના જીવનનો સૌથી મોટો દુશ્મન માનવા લાગ્યો હતો. તે કોઈ પણ ભોગે આ વાતનો બદલો લેવા માંગતો હતો. અને એટલે જ બદલો લેવા માટે થઈને મધ્યપ્રદેશથી ઇકબાલે તેના મિત્ર શાહબાજને 55 હજાર રૂપિયા ચૂકવીને રિવોલ્વર મેળવી. અને રિવોલ્વર હાથમાં આવી ગયા પછી આરોપી ઇકબાલ સતત યુનુસનો પીછો કરતો હતો. ત્યારે બે દિવસ પહેલા સાણંદ ખાતેથી કડી બાજુ જતી વખતે રસ્તામાં જ યુનુસ મળી જતા ઇકબાલે ત્યાં જ યુનુસને માથાના ભાગે ગોળી મારતા યુનુસનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.