Gujarat

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને આપ્યો આ આદેશ

ગુજરાતમાં ઉતરાયણનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પતંગ રસિયાઓ ઉતરાયણના દિવસે મન ભરીને પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે પરંતુ અન્ય લોકોની પતંગ કાપવા માટે પતંગ બાજો અન્ય લોકોના જીવ જોખમમાં પણ મુકતા હોય છે અને પોતાની પતંગ ન કપાય તે માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે.

જ્યારે આ ચાઈનીઝ દોરી અનેક નિર્દોષ લોકો અને પશુપંખીઓના જીવ લેતી હોવાના લીધે સરકાર દ્વારા ચાઈનીઝ દોરીને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે અને તેનું વેચાણ કરનાર લોકો સામે પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો ચોરી છૂપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા રહે છે જ્યારે કેટલાક પતંગ રસિકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે.

એવામાં આજે ઉત્તરાયણ પર ચાઇનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ બાબતમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વરા આજે ફરી બીજી વખત એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે. ફાઇલ કરેલા એફિડેવિટને લઇને હાઇકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. કોર્ટ દ્વારા ચાઇનીઝ દોરીને લઇને જાગૃતતા ફેલાવવા માટે સરકારને કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્કૂલ-કોલેજોમાં જાગૃતતા લાવો, નાયલોન દોરી, ચાઇનીઝ અને દોરીમાં વપરાતા કાચના ઉપયોગને અટકાવવામાં આવે.

તેની સાથે જાગૃતતા માટે જરૂર પડે તો ઓટો રીક્ષામાં તેની જાહેરાતનો ઉપયોગ કરો. જેમ ચૂંટણી સમયે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે તેમ તેના માટે પણ લાઉડ સ્પીકરનો તમે ઉપયોગ કરો. એલઇડી સ્ક્રીન દ્વારા પણ લોકજાગૃતિનો પ્રયત્ન કરવો જોઇએ. આ સિવાય મીડિયાએ પણ લોક જાગૃતિનો પ્રયત્ન કરવો જોઇએ. દરેક ચેનલના સીઇઓ સાથે વાત કરીને તેમના પ્રાઇમ ટાઇમમાં લોકજાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવા જોઇએ.