અમદાવાદ જિલ્લાનાના ચાંગોદર વિસ્તાર ખાતે આવેલ મોડાસરના મેળામાં પ્રેમ પ્રકરણમાં છરીના ઘા કરીને યુવકની કરેલ હત્યા મામલે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલ છે. સાણંદ વિસ્તારના મોડાસરમાં આવેલ અત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે રાત્રિના સમયે મેળો ભરાય હતો. જ્યાં બાવળા ખાતે રહેતી એક પરિણીતા તેના બાળકો સાથે આ મેળામાં ગઈ હતી. પરિણીતા મેળામાં તેના પ્રેમી સાથે વાતચીત કરી રહી હતી. ત્યારે તેનો પતિ જોઈ જતા રોષે ભરાયેલા પતિએ યુવકને છરીના ઘા માર્યા હતા. જેને લઈને મેળામાં લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા. છરીના ઘા વાગવાથી યુવકને ગંભીર ઇજા પાહીચી હતી. ગુરુવારે મોડી રાત્રે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે હત્યારા પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારના રોજ અમદાવાદના સાણંદ વિસ્તારના મોડાસર નામના ગામે આવેલ અત્રેશ્વર મહાદેવના મંદિરે રાત્રીના સમયે મેળો ભરાયો હતો. જેમાં આસપાસના ગામોના લોકો આવ્યા હતા. ત્યારે આ મેળામાં હેતલ મકવાણા કે જેને પતિ સાથે અણબનાવ થતા પોતાના પિયર આવીને એકલા જ રહે છે તે પણ આ મેળામાં આવી હતી. સાથે જ તેનો પ્રેમી પુનમ ઉર્ફે જીગ્નેશ સોલંકી પણ આ મેળામાં આવ્યો હતો. હેતલ મકવાણા તેમના બાળકો સાથે આ મેળામાં આવ્યા હતા. હેતલ મકવાણા અને પુનમ ઉર્ફે જીગ્નેશ કાંતીભાઇ સોલંકી આ બંને વચ્ચર ઘણા સમયથી પ્રેમ સંબંધ છે. તેઓ ઘણી વખત ચોરી છુપીથી મળતા રહેતા હોય છે. તેમજ ફોન પર પણ વાતચીત કરતા હોય છે. આ બન્ને જણા અત્રેશ્વર મંદિરે આયોજિત મેળામાં પણ એકબીજાને મળવા માટે જ આવ્યા હતા. ત્યારે હેતલ મકવાણાના પતિ દિપકકુમાર મકવાણાને શંકા હતી કે આ બંને જણા મેળામાં ભેગા થશે અને એટલે જ તેઓ તેમની પત્નીની હત્યા કરી નાખવાના ઇરાદે મેળામાં પહોંચ્યા હતા. ત્યારે મેળામાં હેતલબેન મકવાણા અને પુનમભાઇ ઉર્ફે જીગ્નેશ બન્ને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમીયાન હેતલબેનના પતિ દીપકકુમાર તેમને જોઈ જતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. અને તેમણે ત્યાં જ હેતલબેનના પ્રેમી ઉપર હુમલો કરી છરીના ઘા કર્યા હતા. જેને કારણે મેળામાં અફરાતરફી સર્જાઈ હતી. નોંધનીય છે કે, આરોપી દિપકકુમાર છરીના ઘા કર્યા બાદ બાવળા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જતા ચાંગોદર પોલીસે આરોપીની અટકાયત કરી હતી. હાલ તો આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.